રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે
જયશંકરની કીવ મુલાકાતનું ખાસ મહત્વ છે, કારણ કે ભારત સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવાની અપીલ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે યુક્રેનમાં જયશંકર શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે. અગાઉ ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.
