વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ તેમના પહેલાં ભારત પ્રવાસે આવેલા સ્ટાર્મર આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈમાં મુલાકાત કરશે. પીએમ મોદી આજે સવારે 10 વાગ્યે મુંબઈમાં બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરની મેજબાની કરશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો સાથેનો સમયબંધ કાર્યક્રમ વિઝન-2035 આગળ ધપાવવામાં આવશે.
મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં સીઈઓ ફોરમમાં પણ લેશે ભાગ
વડાપ્રધાન મોદીની જુલાઈમાં લંડન યાત્રા દરમિયાન સ્ટાર્મરે ભારત-યુકે વિઝન 2035ને ટેકો આપ્યો હતો. આ બંને દેશોએ મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુંબઈમાં બંને નેતાઓની બેઠકમાં આ બાબત પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. વડાપ્રધાન મોદી લગભગ 1:45 વાગ્યે બ્રિટિશ વડાપ્રધાન સાથે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં સીઈઓ ફોરમમાં ભાગ લેશે. ત્યાર બાદ લગભગ 2:45 વાગ્યે બંને વડાપ્રધાન ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF)ના છઠ્ઠા સંસ્કરણમાં હાજરી આપશે અને મુખ્ય ભાષણ આપશે.










