ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધી અમેરિકાથી કુલ 1,076 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 5 જૂને આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન અમેરિકાથી કુલ 3,567 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા.
અમેરિકાની ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશો ગેરકાયદે ઈમિગ્રેશન સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન દ્વારા અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આવા લોકોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ગેરકાયદે રીતે રહેતો હોય તો તેની નાગરિકતાની પુષ્ટિ થયા બાદ તેને પરત સ્વીકારવાની જવાબદારી સંબંધિત દેશ સાથે સંકલન કરીને નિભાવવામાં આવે છે. જોકે, વ્યક્તિ ભારતીય નાગરિક છે તેની સત્તાવાર પુષ્ટિ જરૂરી ગણવામાં આવે છે.













