મધ્ય-પૂર્વમાં વધતા જતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કરો પર થયેલા હુમલાઓને પગલે યુએસ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. આ પરિસ્થિતિમાં અમેરિકાએ ઈરાન પર ફરી એકવાર કડક તેલ પ્રતિબંધો લાદી દીધા છે, જેની સીધી અસર ભારતની ઊર્જા આયાત યોજનાઓ પર પડી રહી છે.

પરિસ્થિતિ શું છે?

અગાઉ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઈરાનને 'જનરલ લાઇસન્સ' હેઠળ 21 ઓગસ્ટ સુધી વિશ્વમાં તેલ વેચવાની મર્યાદિત છૂટ આપી હતી. ભારત માટે આ એક સુવર્ણ તક હતી, કારણ કે ભારતીય રિફાઇનરીઓ લાંબા સમયથી ઈરાન પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત ફરી શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહી હતી. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક ટેન્કરો પર થયેલા હુમલા અને તેના જવાબમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ, આ મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

ભારત માટે પડકારો અને રાહત

ભારતીય સરકારી રિફાઇનરીઓએ ઓગસ્ટ સુધીના શિપમેન્ટ માટે તૈયારીઓ કરી રાખી હતી અને વેપારીઓ સાથે ગંભીર ચર્ચાઓ ચાલી રહી હતી. અમેરિકાના આ નવા આદેશથી ભારતની આ યોજનાઓ હાલ પૂરતી ખોરવાઈ ગઈ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કંપનીઓને તેમના ચાલુ નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવા માટે 17 જુલાઈ, 2026 સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ ઈરાની બંદરો પરથી કોઈ પણ ક્રૂડ ઓઈલની લોડિંગ શક્ય નહીં બને.

ઇરાન સાથે કોઇ મોટી ચુકવણી કે સોદા નથી કર્યા

જોકે, રાહતની વાત એ છે કે ભારતે હજુ સુધી ઈરાન સાથે કોઈ મોટી ચુકવણી કે કાયમી સોદા કર્યા નહોતા. જો મોટા પાયે સોદા થઈ ગયા હોત તો ભારતને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડત. હાલમાં, ભારત પાસે ઈરાનથી ક્રૂડ ઓઈલ આયાત કરવાની તક હવે બંધ થઈ ગઈ છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને પુરવઠાને લઈને ભારતની વ્યૂહરચના ફરીથી તપાસવી પડશે.

આ પણ વાંચોઃ ચોરને પકડવા આ દેશમાં ખુદ ફરે છે યમરાજ, જોઇ લો VIDEO