WHOની મંજૂરીનો સીધો અર્થ એ છે કે આ વેક્સિનને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષિત, અસરકારક અને ઉચ્ચ ગુણવત્તાની માનવામાં આવી છે. આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ તૈયાર કરી છે. તે સર્વાઇકલ કેન્સર સાથે સંકળાયેલા HPV વાયરસના 4 પ્રકાર સામે રક્ષણ આપે છે. વેક્સિન લેવાથી સર્વાઇકલ કેન્સરનું જોખમ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.
ભારત સરકારે પણ સર્વાઇકલ કેન્સર સામેના રસીકરણ અભિયાનમાં HPV વેક્સિનનો સમાવેશ કર્યો છે. હવે WHOની માન્યતા મળ્યા બાદ આ વેક્સિન વિશ્વના અનેક દેશોમાં પણ પહોંચવાની શક્યતા વધી છે.
સર્વાઇકલ કેન્સર HPV એટલે કે Human Papillomavirusના કારણે થાય છે. ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર બાદ સર્વાઇકલ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. હવે 20થી 30 વર્ષની ઉંમરની મહિલાઓમાં પણ આ કેન્સરના કેસ જોવા મળી રહ્યા છે. મોટા ભાગના કિસ્સામાં આ બીમારી શરૂઆતના તબક્કામાં ઓળખાતી નથી. આવી સ્થિતિમાં બચાવ માટે HPV વેક્સિન લેવી ફાયદાકારક બની શકે છે.
Cervavac વેક્સિન શું છે?
Cervavac વેક્સિન HPVના 16, 18, 6 અને 11 પ્રકાર સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. HPV 16 અને 18ને સર્વાઇકલ કેન્સરના જોખમ સાથે સંકળાયેલા મુખ્ય પ્રકારોમાં ગણવામાં આવે છે, જ્યારે HPV 6 અને 11 મુખ્યત્વે જનનાંગ પર થતા મસાઓ સાથે સંકળાયેલા છે.
ડોક્ટરની સલાહ મુજબ આ વેક્સિન લેનારી મહિલાઓમાં HPV વાયરસથી થતા સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. WHOના જણાવ્યા મુજબ, 9થી 14 વર્ષની ઉંમરમાં સર્વાઇકલ કેન્સરની વેક્સિન લેનારી છોકરીઓમાં આ કેન્સરનું જોખમ 90% સુધી ઘટી શકે છે.
WHOની મંજૂરી મળવાનો શું ફાયદો?
WHOની પ્રી-ક્વોલિફિકેશન મંજૂરી મળ્યા બાદ વૈશ્વિક આરોગ્ય કાર્યક્રમો અને વિવિધ દેશો માટે આ વેક્સિન ખરીદવાની પ્રક્રિયા સરળ બની શકે છે. તેનાથી ભારતમાં બનેલી HPV વેક્સિનની વૈશ્વિક પહોંચ વધવાની શક્યતા છે.
જોકે, WHOની મંજૂરીનો અર્થ એ નથી કે આ વેક્સિન દરેક દેશમાં તરત જ ઉપલબ્ધ થઈ જશે. દરેક દેશની સરકાર અને આરોગ્ય વ્યવસ્થાએ પોતાના રસીકરણ કાર્યક્રમ, ઉંમર, ડોઝ અને વેક્સિન ખરીદવા સંબંધિત નિર્ણયો અલગથી લેવા પડશે.