ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના સંગઠન ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) પર કેન્દ્ર સરકારે ફરી એકવાર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે IRFને ગેરકાયદેસર સંગઠન જાહેર રાખવાનો સમયગાળો આગામી પાંચ વર્ષ સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
સંગઠન પર આરોપ છે કે તે ચોક્કસ ધર્મના ભારતીય યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવા અને કટ્ટરપંથ તરફ પ્રેરિત કરવામાં સામેલ રહ્યું છે.
IRF પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે UAPA હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પહેલાં નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારે પહેલીવાર આ સંગઠનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.
ત્યારબાદ નવેમ્બર 2021માં પ્રતિબંધનો સમયગાળો પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર પ્રતિબંધને પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2016માં પહેલીવાર પ્રતિબંધ લગાવાયો હતો
કેન્દ્ર સરકારે 17 નવેમ્બર 2016ના રોજ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું હતું. તે સમયે સરકારનો આરોપ હતો કે સંગઠનના સ્થાપક અને પ્રમુખ ઝાકિર નાઈક તથા તેના સભ્યો ધાર્મિક આધાર પર અલગ-અલગ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરત ફેલાવતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
સરકારનો આરોપ હતો કે સંગઠનનાં ભાષણો અને પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને કટ્ટરપંથ તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કરતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
2021માં પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ લંબાવાયો હતો
કેન્દ્ર સરકારે 15 નવેમ્બર 2021ના રોજ IRF પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો. ગૃહ મંત્રાલયની અધિસૂચનામાં કહેવામાં આવ્યું હતું કે સંગઠન અને તેના સભ્યોની પ્રવૃત્તિઓ સાંપ્રદાયિક સૌહાર્દ, દેશની બિનસાંપ્રદાયિક વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નુકસાનકારક બની શકે છે.
UAPA ટ્રિબ્યુનલે એપ્રિલ 2022માં સરકારના આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. ટ્રિબ્યુનલે ઉપલબ્ધ પુરાવા અને સુનાવણીના આધારે સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવા માટે પૂરતાં કારણો હોવાનું માન્યું હતું.
કોણ છે ઝાકિર નાઈક?
ઝાકિર નાઈક ઇસ્લામિક ઉપદેશક છે અને ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના સ્થાપક તથા પ્રમુખ રહી ચૂક્યા છે. તેમનાં ભાષણો અને ધાર્મિક વ્યાખ્યાનોને લઈને લાંબા સમયથી વિવાદ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેમના સંગઠનની પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે જોખમ ગણાવીને પ્રતિબંધ લગાવ્યો હતો. IRF પર પ્રતિબંધ લંબાવવાના નિર્ણય બાદ આગામી પાંચ વર્ષ સુધી સંગઠનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈક હાલમાં મલેશિયામાં રહે છે અને ત્યાંના કાયમી નિવાસી છે. 2016માં ભારત છોડ્યા બાદથી તેઓ મલેશિયામાં જ રહે છે. તાજેતરના ઘટનાક્રમ મુજબ, 3 નવેમ્બર 2026ના રોજ મલેશિયા સરકારે સંસદમાં જણાવ્યું હતું કે તે ઝાકિર નાઈકને ભારતને પ્રત્યાર્પણ નહીં કરે.
આ પહેલાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે પુષ્ટિ કરી હતી કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભારતમાં તેઓ મની લોન્ડરિંગ અને કથિત ઉશ્કેરણીજનક ભાષણો સાથે જોડાયેલા કેસોમાં વોન્ટેડ છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
