ભારત-ચીન સરહદ નજીક ભારતે ઇતિહાસ રચ્યો છે. કાશ્મીર અને લદ્દાખને જોડતી ઝોજિલા ટનલની કામગીરી સફળતા પૂર્વક આજે, 9 જૂને પ્રાપ્ત થઈ. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે તમામ ઋતુઓમાં (All-Weather) અવરજવર માટેના વર્ષો જૂના સપનાને સાકાર કરતી 'જોજિલા સુરંગ' (Zojila Tunnel) નું આખરી અને મહત્વપૂર્ણ વિકાસ કાર્ય (બ્રેક થ્રુ એટલે કે બંને તરફથી પહાડ ખોદીને રસ્તો એક કરવાનો તબક્કો) આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ સફળતા સાથે જ કાશ્મીર અને લદ્દાખ વચ્ચેનો વાહનવ્યવહાર શિયાળામાં પણ અવિરત ચાલુ રહેશે.
જમ્મુ કાશ્મીર એલજીએ ખુશી વ્યક્ત કરીઆ ઐતિહાસિક અવસરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ એક ઐતિહાસિક તારીખ છે. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને બારેમાસ કનેક્ટિવિટી આપવા માટેના અંતિમ તબક્કાના પડાવને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીએ પૂરો કર્યો છે. હું બંને પ્રદેશના નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
એશિયા જ નહીં, વિશ્વના ઈતિહાસમાં નંબર-1 બનશે આ ટનલ: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિને ભારતીય એન્જિનિયરિંગના ઈતિહાસનું સુવર્ણ પાનું ગણાવ્યું હતું. તેમણે ટનલની વિશેષતાઓ અને મહત્વ વિશે વાત કરતા જણાવ્યું કે ટનલનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ટનલ આશરે 14 કિલોમીટર લાંબી છે અને સ્ટેટ-ઓફ-ધ-આર્ટ (અતિ આધુનિક) ટેકનોલોજીથી સજ્જ છે. અત્યાર સુધી આપણે તેને એશિયાની સૌથી લાંબી ટનલ કહેતા હતા, પરંતુ આ વૈશ્વિક ઈતિહાસમાં પણ નંબર 1 પર સ્થાન મેળવશે. આ સુરંગ લેહ અને લદ્દાખના લોકો માટે એક નવી લાઈફલાઈન (જીવાદોરી) સાબિત થશે, જે પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપશે.
હાડ થીજવતી ઠંડીમાં એન્જિનિયરો અને શ્રમિકોનો કમાલ
આ ભગીરથ કાર્ય પાછળ છુપાયેલા સંઘર્ષને બિરદાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ટનલ દરિયાઈ સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈ પર આવેલી છે. જ્યારે અહીં કામ ચાલી રહ્યું હતું, ત્યારે તાપમાન માઈનસ 4 ડિગ્રી કે તેનાથી પણ નીચે ચાલ્યું જતું હતું. આવી કડકડતી ઠંડી અને પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણા દેશના એન્જિનિયરો, શ્રમિકો, કોન્ટ્રાક્ટરો અને તબીબોની ટીમે અથાણું મહેનત કરીને આ અશક્ય કામને શક્ય બનાવ્યું છે.
હવે આગળ શું થશે અને આ ટનલ કેમ મહત્વની છે?
અંતિમ બ્રેકથ્રુ પૂર્ણ થવાને કારણે પહાડની બંને બાજુના છેડા હવે સંપૂર્ણપણે મળી ગયા છે. આ મોટી સફળતા બાદ હવે આગામી તબક્કાના કામો રોકેટ ગતિએ પૂરા કરવામાં આવશે. ટનલની અંદર પાકો રોડ બનાવવો, લાઈટિંગ, હાઈ-ટેક સીસીટીવી કેમેરા અને ઈમરજન્સી સેફ્ટી સિસ્ટમ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સુવિધાઓ ઊભી કરવામાં આવશે. મહત્વનું છે કે દર વર્ષે ભારે બરફવર્ષાને કારણે શિયાળાના મહિનાઓમાં લદ્દાખનો સંપર્ક સમગ્ર દેશથી તૂટી જતો હતો, જે સમસ્યા હવે કાયમ માટે ભૂતકાળ બની જશે.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?