પહલગામ આતંકીહુમલા બાદ પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. વિવિધ રાજ્યોમાં દેશ વિરોધી થતી ગતિવિધિઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. એક તરફ નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરાયુ છે તો બીજી તરફ વિવિધ રાજ્યોની પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. તેવામાં એનઆઇએ દ્વારા દિલ્હીથી એકને ઝડપી પાડ્યો છે. કે જે પાકિસ્તાની અધિકારીઓને ભારતની ગુપ્ત માહિતીઓ શેર કરતો હતો.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે ગુપ્ત માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મોતી રામ જાટની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવુ પણ જાણવા મળ્યુ કે તે આ કામ 2023થી કરતો હતો. જે માટે તેને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ પાસેથી પૈસા મળતા હતા.
6 દિવસના રિમાન્ડ પર મોકલ્યો
NIA એ દિલ્હીથી મોતી રામની ધરપકડ કરીને પટિયાલા હાઉસ કોર્ટની ખાસ કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેને ત્યાંથી તેને 6 જૂન સુધી NIA કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે આરોપીએ દેશની મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતી પાકિસ્તાનના ઘણા અધિકારીઓ સાથે શેર કરી હતી. જે દેશ માટે ખતરાથી ખાલી નથી. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટે આરોપીને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે.
પૈસાની લાલચે કર્યુ કામ
NIAની તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા બે વર્ષોથી જાસૂસી કરી રહ્યો હતો. હવાલા મારફતે પાકિસ્તાનને ઘણી મદદ મોકલવામાં આવતી હતી. આ વ્યવહારો મોટાભાગે હવાલા દ્વારા થતા હતા. જો તપાસ એજન્સીઓનું માનીએ તો, જવાન પહેલેથી જ ISI ના નિશાના પર હતો. એટલા માટે તેને તપાસમાં ફસાવવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી ઘણી ગુપ્ત માહિતી મેળવવામાં આવી હતી.
પૂછપરછમાં ખૂલશે મોટા રહસ્યો
NIAની ટીમે કહ્યું કે આ સમગ્ર મામલામાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. જોકે તેની વધુ પૂછપરછ બાદ વધુ રહસ્યો ખૂલી શકે છે. એજન્સી એવા વ્યક્તિઓ પર પણ નજર રાખી રહી છે જેઓ મોતીરામ જાટના સંપર્કમાં હતા અથવા જેમના દ્વારા આ માહિતી લીક થઈ રહી હતી.
બેંક ખાતાઓની તપાસ કરાશે
પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સૈનિકના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેના પરિવારના અન્ય સભ્યોના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ટીમને શંકા છે કે સૈનિક પોતાના ખાતામાં પૈસા જમા કરાવવાને બદલે આ પૈસા તેના પરિવારના ખાતામાં જમા કરાવતો હતો.