- એનઆઈએની ટુકડી રાજસ્થાનના ટોંક, કોટા, ગંગાપુરમાં પણ કાર્યરત
- આતંકવાદી સંગઠન સામે એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી
- પીએફઆઈના 12થી વધારે સ્થાનો પર એનઆઈએની ટુકડીએ દરોડા પાડયા
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીએફઆઈ સામે એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુપી, એમપી, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુમાં પીએફઆઈના 12થી વધારે સ્થાનો પર એનઆઈએની ટુકડીએ દરોડા પાડયા છે. અહેવાલો અનુસાર આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. નોંધનીય છે કે આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોવાના કારણે પાછલા વર્ષે જ પીએફઆઈ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ટોંક, કોટા, ગંગાપુરમાં પણ એનઆઈએની ટુકડી મંગળવારે મધરાતથી કામગીરી કરી રહી છે. દરમિયાન એનઆઈએની ટુકડી મુંબઈમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બુધવારે સવારે એનઆઈએની ટુકડી અબ્દુલ વાહિદના ઘરે પહોંચી હતી પણ તેણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. અબ્દુલે આગ્રહ રાખ્યો હતો કે તેના ઘરની તલાશી લેવા માટે એનઆઈએ સર્ચ વોરન્ટ લઇને આવે. તેને પગલે સર્ચ વોરન્ટ મંગાવવામાં આવ્યું હતું જો કે આ દરમિયાન એનઆઈએની ટીમે છ કલાક સુધી રાહ જોઇને બેસી રહેવું પડયું હતું. નોંધનીય છે કે અબ્દુલ 7-11 મુંબઈ ધડાકાનો આરોપી હતો પણ પાછળથી કોર્ટે તેને મુક્ત કરી દીધો હતો. અત્રે નોંધનીય છે કે દિલ્હી હાઇકોર્ટ ટ્રિબ્યૂનલે પીએફઆઈ પરના પ્રતિબંધના નિર્ણયને જાળવી રાખ્યો હતો.










