- હાઇવે અને રોડ રસ્તાને લઇને નીતિન ગડકરીનું મહત્વનું નિવેદન
- ખરાબ રસ્તા હોય તો ટોલ ટેક્સ વસૂલાત ન કરવી જોઇએ
- વૈશ્વિક વર્કશોપને સંબોધિત કરી રહ્યા હતા નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એક સ્પષ્ટ વક્તા છે. ત્યારે ટોલટેક્સને લઇને તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે કહ્યું હતું કે જો રસ્તાઓ સારી સ્થિતિમાં નથી તો હાઈવે ચલાવતી એજન્સીઓએ વપરાશકર્તાઓ પાસેથી ટોલ વસૂલવો જોઈએ નહીં. મળતી માહિતી મુજબ આ કાર્યપ્રણાલી ચાલુ વર્ષમાં જ 5000 કિમીથી વધારે લાંબા રાજમાર્ગો પર લાગુ કરવામાં આવી શકે છે.
ટોલટેક્સ વસૂલો તો સારા રસ્તા હોવા જરૂરી
મહત્વનું છે કે નીતિન ગડકરી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ પર આયોજિત વૈશ્વિક વર્કશોપને સંબોધિત કરી રહ્યા હતા . મળતી માહિતી અનુસાર નીતિન ગડકરીએ કહ્યું કે જો તમે સારી ગુણવત્તાની સેવા ન આપો તો તમારે ટોલ વસૂલવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે તમારે ત્યાં જ યુઝર ફી વસૂલવી જોઈએ જ્યાં તમે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા રોડ પૂરા પાડતા હોવ. જો તમે ખાડા અને માટીવાળા રસ્તાઓ પર પણ ટોલ વસૂલશો તો તમારે લોકોની પ્રતિક્રિયાનો પણ સામનો કરવો પડશે.
NHAI કરી રહ્યુ છે તૈયારી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હાલની FASTag સિસ્ટમમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC) સિસ્ટમ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. શરૂઆતમાં એક હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) આધારિત ટોલ કલેક્શન અને GNSS-આધારિત ટોલ સિસ્ટમ બંને એકસાથે કામ કરશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે મોટા પાયે અમલીકરણ અને ગોપનીયતાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને તેને પહેલા કોમર્શિયલ વાહનો પર લાગુ કરવામાં આવશે. બાદમાં ખાનગી વાહનોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની દરખાસ્ત છે. આ સાથે NHAI એ છેતરપિંડી શોધવા માટે ડ્રાઇવરની વર્તણૂકનું વિશ્લેષણ અને આંકડાઓનું વિષ્લેષણ કરવાની પણ ભલામણ કરી છે.