નોઇડાના સેક્ટર 18ના શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગી. અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આગ લાગવાથી શોપિંગ કોમ્પ્લેક્સમાં રહેલા લોકોમાં ભારે ડરનો માહોલ ફેલાયો. લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. પરંતુ મળતી માહિતી મુજબ કૃષ્ણ અપરા પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે શોપિંગ કોમ્પ્લેક્સની અંદર લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે કાચ તોડી દેવાયા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ચોથા માળેથી દોરડા મારફતે નીચે ઉતરતા પણ જોવા મળ્યા હતા .
લોકોને બચાવવા રેસ્ક્યુની કામગીરી તેજ
ઘટનાને પગલે ફાયર વિભાગ દોડી આવ્યું છે. આગ ઓલવવા માટે તજવીજ હાથ ધરી છે. કહેવામાં આવ્યુ છે કે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ કોમ્પ્લેક્સમાં અનેક ઑફિસ પણ છે. જે ઉપરના માળે છે. ગ્રાઉન્ડ ફ્લોર પરના લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા છે. જ્યારે ઉપરના માળે રહેલા લોકોને બચાવવા માટે તજવીજ ચાલી રહી છે.
કુલર બનાવતી ફેક્ટરીમાં લાગી હતી આગ
મહત્વનું છે કે ગઇકાલે ગ્રેટર નોઈડામાં કુલર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. . વાયરિંગમાં ખામીને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું આગ એવી ભયાનક હતી કે આગની જ્વાળાઓ લગભગ 100 ફૂટ ઉપર સુધી દેખાતી હતી. કંપનીઓમાં આગ લાગતાની સાથે જ ત્યાં હાજર કર્મચારીઓમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો. બધા કંપની છોડીને ચાલ્યા ગયા હતા, ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
નજીકની કંપનીઓ ખાલી કરાવવામાં આવી
ભીષણ આગની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ સાથે અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. સાવચેતીના પગલા તરીકે, નજીકની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.