જમ્મુ-કાશ્મીરના બારામુલાના સાંસદ એન્જિનિયર રાશિદને બુધવારે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તિહાર જેલમાંથી છૂટ્યા બાદ એન્જીનિયર રાશિદે કહ્યું કે, મારા માટે સરકાર નહીં, પરંતુ કાશ્મીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ દિલ્હીની એક કોર્ટે શેખ અબ્દુલ રાશિદ (એન્જિનિયર રાશિદ)ને આતંકવાદી ફંડિંગ કેસમાં 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપ્યા બાદ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
હું મારા લોકોને નિરાશ નહીં કરું
જેલમાંથી મુક્ત થયા બાદ રાશિદે કહ્યું કે, હું મારા લોકોને નિરાશ નહીં કરું. હું શપથ લઉં છું કે હું પીએમ મોદીના 'નયા કાશ્મીર'ના નેરટિવ સામે લડીશ, જે જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટ 2019ના રોજ તેમણે જે પણ કર્યું, લોકોએ તેને નકારી કાઢ્યું. હું મારા લોકોના કલ્યાણ માટે કામ કરવા પ્રતિબદ્ધ છું. અમે ડરતા નથી.
મારી લડાઈ ખુરશી માટે નથી, પરંતુ કાશ્મીર માટે છે
સાંસદ એન્જિનિયર રાશિદે કહ્યું કે, મારી લડાઈ ઉમર અબ્દુલ્લાના શબ્દો કરતા મોટી છે. તેમની લડાઈ ખુરશી માટે છે, મારી લડાઈ જનતા માટે છે. હું ભાજપનો પીડિત છું, હું મારા છેલ્લા શ્વાસ સુધી પીએમ મોદીની વિચારધારા સામે લડીશ... હું મારા લોકોને એક કરવા માટે કાશ્મીર આવી રહ્યો છું, તેમને વિભાજિત કરવા માટે નહીં..."
વિધાનસભા ચૂંટણી પહેલા એન્જિનિયર રાશિદની જેલમાંથી મુક્તિ
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા એન્જિનિયર રાશિદની જેલમાંથી મુક્તિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એન્જિનિયર રાશિદે 2024ની લોકસભા ચૂંટણીમાં બારામુલા લોકસભા સીટ પરથી જીત મેળવી હતી. તેમણે નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને હરાવ્યા હતા.
આતંકવાદી ફંડિંગ મામલામાં તિહારમાં બંધ હતો રાશિદ
રાશિદને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ 2017ના જમ્મુ અને કાશ્મીર ટેરર ફંડિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. કથિત ટેરર ફંડિંગ કેસમાં UAPAની જોગવાઈઓ હેઠળ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તેના પર આરોપ મૂકવામાં આવ્યા બાદ તે 2019થી તિહાર જેલમાં બંધ હતો. પરંતુ દિલ્હી કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. તે પછી જ બુધવારે તેને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. એન્જિનિયર રશિદની અવામી ઇત્તેહાદ પાર્ટી (AIP) વિધાનસભા ચૂંટણી લડી રહી છે અને તાજેતરમાં જ પાર્ટીએ એક મેનિફેસ્ટો બહાર પાડીને રાશિદને મુક્ત કરવાની માંગ કરી હતી.