- કોઈ શ્રાદ્ધાળુ મંદિરમાં રીલ બનાવતા જોવા મળશે તો પહેલાં સમજાવાશે
- વિશ્વપ્રસિદ્ધ મહાકાલના દરબારમાં શ્રાદ્ધાળુઓ દર્શનની અભિલાષા સાથે જતા હોય છે
- મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીતો પર ડાન્સનો વીડિયો બનાવવાના બનાવો બન્યા
વિશ્વપ્રસિદ્ધ મહાકાલના દરબારમાં શ્રાદ્ધાળુઓ દર્શનની અભિલાષા સાથે જતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ રીલ બનાવે છે અને પ્રતિબંધિત ક્ષેત્રમાં ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. અગાઉ મહાકાલ મંદિરમાં ફિલ્મી ગીતો પર ડાન્સનો વીડિયો બનાવવાના બનાવો બન્યા છે, એક યુવતીએ ગર્ભગૃહમાં બાબા મહાકાલના અભિષેકની રીલ બનાવી હતી, એક યુવતી પરિસરમાં નાચતી જોવા મળી હતી. આવા લોકોને કાબૂમાં રાખવા માટે મહાકાલ મંદિર વ્યવસ્થાપક સમિતિએ કેટલાક દિશાનિર્દેશો બનાવ્યા છે અને તેનું કડક પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. જો કોઈ શ્રાદ્ધાળુ મંદિરમાં રીલ બનાવતા જોવા મળશે તો પહેલાં તેને સમજાવવામાં આવશે તેમ છતાં નહીં માને તો તેની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપક સમિતિના નવા વહીવટદાર મૃણાલ મીનાએ પદભાર સંભાળતાંની સાથે જ શ્રી મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં મોટા ફેરફાર કર્યા છે. હવે તેમણે મંદિર પરિસરમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મીનાનું કહેવું છે કે અમે ઇચ્છીએ છીએ કે મંદિરમાં જે ભાવના સાથે શ્રાદ્ધાળુ બાબા મહાકાલના દર્શન કરવા આવે છે, તેમની મનોકામના પૂર્ણ થાય. શ્રાદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે અમે પ્રયાસરત છીએ. તેમ છતાં શ્રી મહાકાલ વ્યવસ્થાપક સમિતિના નિર્દેશોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, હવે એવું કરનારા સામે કાર્યવાહી થશે. મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પ્રતિબંધિત છે. ઘણા શ્રાદ્ધાળુ આ નિયમોનું પાલન નથી કરતા. ઘણા તો તેમને અટકાવનાર સુરક્ષાકર્મીઓ સાથે મારામારી કરે છે. હવે એવા લોકો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. છેલ્લા કેટલાક સમયથી મંદિર પરિસરમાં રીલ બનાવવાના કિસ્સા વધ્યા છે.










