• સંસદમાં ધ્વનિમતથી ઓમ બિરલા લોકસસભાના સ્પીકર તરીકે ચૂંટાયા
  • રાજસ્થાનની કોટા બેઠક જીતીને પહોંચ્યા લોકસભા
  • બીજી વખત લોકસભા સ્પીકર બન્યા ઓમ બિરલા

લોકસભા સ્પીકર પદ માટે ધ્વનિમતથી ઓમ બિરલા ચૂંટાયા છે. બીજેપીના નેતૃત્વ ધરાવતા એનડીએ ઉમેદવાર ઓમ બિરલાએ વિપક્ષના કે. સુરેશને ચૂંટણીમાં હરાવ્યા છે. સ્પીકર પદે ચૂંટાયા બાદ પીએમ મોદી સહિત રાહુલ ગાંધીએ તેમને શુભકામના પાઠવી હતી. ત્યારે આવો જાણીએ બીજી વખત સ્પીકર પદ સંભાળનારા ઓમ બિરલા વિશે

બીજી વખત સ્પીકર બનનારા પાંચમા અધ્યક્ષ

મહત્વનું છે કે ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બનનારા પાંચમા નેતા છે. અગાઉ 1956 થી 1962 સુધી એમએ આયંગર, 1969 થી 1975 સુધી જીએસ ધિલ્લોન, 1980 થી 1989 સુધી બલરામ જાખર, 1998 થી 2002 સુધી જીએમસી બાલયોગી લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેમણે સતત બે વખત લોકસભાની અધ્યક્ષતા કરી છે. નીલમ સંજીવ રેડ્ડી એવા સાંસદ રહી ચુક્યા છે જેઓ બે વખત લોકસભાના અધ્યક્ષ રહ્યા પરંતુ સતત નહી. તેઓ 1967 થી 1969 અને ફરીથી માર્ચ 1977 થી જુલાઈ 1977 સુધી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

ત્રણ વખત ધારાસભ્ય બન્યા

મહત્વનું છે કે ઓમ બિરલા 2003થી સતત દરેક વખત ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ વર્ષ 2003માં કોટાથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જે બાદ તેઓ 2008 માં કોટા દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના શાંતિ ધારીવાલને હરાવીને વિધાનસભા ચૂંટણી જીતી હતી. તેઓ 2013માં કોટા દક્ષિણથી ત્રીજી વિધાનસભા ચૂંટણી પણ જીત્યા હતા.

2014માં લોકસભાની ચૂંટણી લડ્યા

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઓમ બિરલા કોટા સંસદીય સીટ પરથી ઉમેદવાર ઉતાર્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019 માં બિરલા ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા અને આ વખતે ભાજપે તેમને સ્પીકર બનાવીને બધાને ચોંકાવી દીધા. જો કે તેમની પાસે સંસદીય કાર્યનો લાંબો અનુભવ ન હતો, પરંતુ તેમણે જે રીતે લોકસભા ચલાવી તેના બધાએ વખાણ કર્યા હતા.

કોંગ્રેસના પ્રહલાદ ગુંજાલને હરાવીને સંસદમાં પહોંચ્યા

આ વખતની લોકસભાની ચૂંટણીમાં ઓમ બિરલા કોટા બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રહલાદ ગુંજાલને હરાવ્યા છે. અગાઉ તેઓ 2003 થી 2014 સુધી કોટા ઉત્તર વિધાનસભાથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.


  • Follow us on: