કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે વધુ માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થશે. જ્યારે બીજા તબક્કામાં પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓ થશે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. 15 પક્ષોએ વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કર્યો હતો. તેમણે વધુમાં એમ પણ કહ્યું છે ચૂંટણીઓમાં બહુ ખર્ચો થાય છે. સાથે જ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન માટે રામનાથ કોવિંદ કમિટીએ કુલ 191 દિવસ કામ કર્યુ છે.
યુવાઓ સૌથી વધુ પક્ષમાં- અશ્વિની વૈષ્ણવ
આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અવ્યવહારુ ગણાવ્યો હતો. જે અંગે અશ્વિની વૈષ્ણવે પલટવાર કરતા કહ્યું કે વિપક્ષ આંતરિક દબાણ અનુભવવાનું શરૂ કરી શકે છે. કારણ કે સલાહકાર પ્રક્રિયા દરમિયાન પ્રતિક્રિયા આપનારા 80 ટકાથી વધારે લોકોએ વન નેશન વન ઇલેક્શન અંગે પોતાનું સકારાત્મક સમર્થન આપ્યું છે. ખાસ કરીને યુવા વર્ગ આ વન નેશન વન ઇલેક્શનના સૌથી વધારે પક્ષમાં છે. .આ કમિટીના રિપોર્ટ પર દેશભરમાં ચર્ચા થશે. જેમાં હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ સાથે વાતચીત કરવામાં આવશે.
ક્યારે થશે લાગુ ?
વન નેશન વન ઇલેક્શન ક્યાં સુધીમાં લાગુ કરાશે અને તેના માટે જરૂરી 2/3 બહુમતી અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ટર્મમાં જ તેનો અમલ કરવામાં આવશે. તમામ સાથે વાત કરવામાં આવશે. મોટી સંખ્યામાં પક્ષોએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. અમે આગામી કેટલાક મહિનામાં સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરીશું. સમિતિની ભલામણો પર અમલીકરણ જૂથની રચના કરવામાં આવશે. ભલામણો પર દેશના વિવિધ ફોરમ પર ચર્ચા કરવામાં આવશે.









