• ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે

  • કેદારનાથનાં કપાટ 10 મે, બદરીનાથનાં 12 મે, ગંગોત્રી-યમુનોત્રી કપાટ અક્ષય તૃતીયાએે ખૂલશે
  • ચારધામ યાત્રા માટે પર્યટન વિભાગ દ્વારા નોંધણી પ્રક્રિયા માટેની તૈયારીઓ પૂરી

ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ જનારા તીર્થયાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. યુપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે, રાજ્યોમાંથી કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની ચારધામ જાત્રા કરવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ આવતી કાલ સોમવાર, આઠમી એપ્રિલથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ચારધામ યાત્રા માટે પર્યટન વિભાગ દ્વારા નોંધણી પ્રક્રિયા માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ વખતે નોંધણી કરાવનાર યાત્રાળુઓને નોંધણીની પહોંચ પર યાત્રામાં ઉપયોગી નીવડે તેવા મોબાઇલ નંબરો પણ મળશે.

ચારધામ યાત્રાની તૈયારીઓ

ચારધામ યાત્રા માટે તીર્થનગરી ઋષિકેશમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સંયુક્ત યાત્રા બસ ટ્રાન્ઝિટ કંપાઉન્ડનાં ભવનોના રંગરોગાન કરાયા છે. તદ્ઉપરાંત યાત્રાળુઓની સુવિધા માટેની વ્યવસ્થાઓની તૈયારી કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓના રોકાણ માટે ડોર્મેટરીને વાતાનુકૂલિત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. આરામ માટે જર્મન હેંગર ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગઢવાલના કમિશનર વિનય પાંડેયે કહ્યું કે યાત્રાળુઓના આગમન અને રોકાણનાં માર્ગો, સ્થળોને સાફસુથરાં રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

કેદારનાથ-બદરીનાથનાં કપાટ ખૂલવાની તારીખ

કેદારનાથ-બદરીનાથ સહિત ચારધામનાં કપાટ ખૂલવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. કેદારનાથ ધામનાં કપાટ 10 મેએ સવારે સાત વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાશે. ચમોલી જિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદરીનાથ ધામનાં કપાટ 12 મેએ બ્રાહ્મમુહૂર્તે તીર્થયાત્રાળુઓ માટે ખોલવામાં આવશે. જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામોનાં કપાટ અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે.

  • Follow us on: