ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને તેનો નાશ કર્યો હતો. ભારતીય સેનાએ આજે આતંકવાદ અને આતંકવાદીઓના આકા પાકિસ્તાનને પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. ભારતે હાથ ધરેલ સર્જીકલ સ્ટ્રાઈક કે જેનું ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું તેના હેઠળ  પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવતા તમામનો સફાયો કર્યો. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારત સરકાર દ્વારા આ સર્જીકલ સ્ટ્રાઈકને લઈને મહત્વનું નિવેદન કરવામાં આવ્યું હતું.


ઓપરેશન સિંદૂર ભારતીય સેનાનું  સંયુક્ત પગલું

સરકારે એક નિવેદનમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ભારતની સેના, વાયુસેના અને નૌકાદળનું સંયુક્ત પગલું છે. આ એક લક્ષ્યાંકિત, માપેલ અને બિન-ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી. ભારતની ત્રણેય સેનાએ આ હુમલાને અંજામ આપતા પહેલા પોતાનું ટારગેટ નક્કી કર્યું, જેના બાદ આ ટારગેટને લોક કર્યું અને પછી હુમલો કર્યો. ભારતના ઓપરેશન સિંદૂરની કાર્યવાહીને પડોશી દેશ પાકિસ્તાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, અમને પણ આ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતે કઈ રીતે પોતાનું ઓપરેશન પાર પાડ્યું અને આતંકવાદીઓના ઠેકાણા કેવી રીતે મળ્યા તેને લઈને લોકોને સવાલ થતા હશે. આ કામગીરીમાં એક ખાસ પ્રકારના ડ્રોન, LMS ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને 'આત્મઘાતી ડ્રોન' પણ કહેવામાં આવે છે, જે ચોરીછૂપીથી પોતાના લક્ષ્યનો નાશ કરે છે.

'આત્મઘાતી ડ્રોન' આતંકવાદીઓ પર ભારે

સેનાએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આતંકવાદીઓના અડ્ડાઓ વિશે ચોક્કસ માહિતી મેળવી અને પછી હુમલો કર્યો. LMS ડ્રોન એટલે ઓછી કિંમતનું મિનિએચર સ્વોર્મ ડ્રોન અથવા લોઇટરિંગ મ્યુનિશન સિસ્ટમ. આ એક સશસ્ત્ર ડ્રોન છે, જેનો ઉપયોગ ભારતે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કર્યો હતો. આ ડ્રોન લાંબા સમય સુધી હવામાં ઉડી શકે છે. આ ડ્રોન પોતાના લક્ષ્યને શોધે છે અને લક્ષ્ય શોધતાની સાથે જ તે તેના પર અથડાવાની સાથે જ વિસ્ફોટ કરે છે. આ કારણોસર તેને 'આત્મઘાતી ડ્રોન' પણ કહેવામાં આવે છે.

ડ્રોનની સટીક કામગીરી

આ ડ્રોન આતંકવાદીઓના ઠેકાણા, શસ્ત્રોના ડેપો, રડાર સિસ્ટમ અથવા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ ડ્રોન સ્વોર્મ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, એટલે કે ઘણા ડ્રોન એકસાથે હુમલો કરે છે. આ ટેકનિક દુશ્મનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને ભેદવામાં અસરકારક છે. સ્વોર્મ ડ્રોન એકસાથે અનેક ખૂણાઓથી લક્ષ્યો પર હુમલો કરી શકે છે, જેનાથી તેઓ રડાર એન્ટેના, શસ્ત્ર પ્રણાલીઓ અથવા કમાન્ડ સેન્ટર જેવા મહત્વપૂર્ણ લક્ષ્યોને હિટ કરી શકે છે.

  • Follow us on: