જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે આ હુમલા બાદ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા પહેલા ભારતે પાકિસ્તાન પર સખત કાર્યવાહી કરવા અનેક નિર્ણયો લીધા હતાં. જેમાં સિંધુ જળ સંધિ સહિત પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ભારત સરકારે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કર્યા હતાં. જેમાં પાકિસ્તાનના કેટલાક અભિનેતાઓ અને નેતાઓ સામેલ હતાં. મંગળવારે મોડી રાત્રે ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને હુમલો કર્યો હતો. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનો ડર સાચો સાબિત થયો છે.
પાકિસ્તાનના મંત્રીએ દાવો કર્યો હતો
ભારત દ્વારા જે સમયે પાકિસ્તાનના નેતાઓ અને એક્ટરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા હતાં એ દરમિયાન પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે મોટો દાવો કર્યો હતો. તેમણે ત્રીજી મેના રોજ દાવો કર્યો હતો કે, ભારત આગામી 24 કે 48 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. મંત્રીનો આ ડર બિલકુલ સાચો સાબિત થયો છે. ભારતીય સેનાએ 6મેના રોજ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી નાંખી છે. ભારતે પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારના એક્સ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
હુમલાનો દાવો સાચો ઠર્યો
એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યાના એક દિવસ પહેલા જ તેમણે દાવો કર્યો હતો કે,ઈસ્લામાબાદ પાસે વિશ્વસનીય ગુપ્ત જાણકારી છે. જેનાથી જાણી શકાય છે કે, 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ 24થી 48 કલાકની અંદર પાડોશી દેશ પર હુમલો કરી શકે છે. ભારતે પાકિસ્તાનની 16 યૂટ્યૂબ ચેનલો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહ મંત્રાલયના ભલામણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.જે ખેલાડીઓના સોશિયલ મીડિયા હેન્ડલ દેશમાં રોકી દેવાયા હતાં તેમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહિન અફરીદી, શોએબ મલિક, શોએબ અખ્તર અને અન્ય ખેલાડીઓ સામેલ છે.
પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકોને આતંકીઓએ નિશાન બનાવ્યા હતાં. પહલગામ હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન પર કાર્યવાહી કરી રહ્યું છે. એર સ્પેસ બંધ કરવા, સિંધુ જળ સંધિ તોડવા સાથે સાથે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને પણ પરત ધકેલવામાં આવી રહ્યાં છે. હુમલાના 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે.