ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં સ્થિત આતંકીઓના 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતના આ એક્શનથી આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા તબાહ થઈ ગયા છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે આ હુમલા બાદ ઈમર્જન્સી મીટિંગ બોલાવી છે. ભારતે જે કહ્યું તે કરી બતાવ્યું છે. ભારતના આ હુમલા બાદ ભારતના જવાબને માની રહી છે.
ભારતે આ હુમલો ખૂબ જ સમજદારી પૂર્વક કર્યો
પાકિસ્તાનના નેતાઓ વારંવાર નિવેદનો આપતા હતાં કે, ભારત હુમલો કરવાની હિંમત ના કરે નહીં તો પરિણામ સારા નહીં હોય. પરંતુ ભારતીય સેનાએ જાણકારી આપી કે પહલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર હેઠળ ભારત પર હુમલો કરવાની યોજનાઓ તૈયાર કરાતી હતી તે 9 આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દેવાયા છે. ભારતે આ હુમલો ખૂબ જ સમજદારી પૂર્વક કર્યો છે અને પાકિસ્તાનને ફરી એક વાર ચોંકાવ્યું છે.
સાતમી મેના રોજ દેશભરમાં મોકડ્રીલની જાહેરાત
ભારત તરફથી પહલગામ હુમલાનો બદલો લેવાનુ એલાન પહેલા જ દિવસે કરવામાં આવ્યું હતું. પરંતુ તે ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી નહોતી. વડાપ્રધાન મોદી પહલગામ હુમલા બાદ સતત સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતાં. 22 એપ્રિલ બાદ બે સપ્તાહ વીતી ગયા હતા અને ભારત સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું હતું કે, સાતમી મેના રોજ દેશભરમાં મોકડ્રીલ કરવામાં આવશે.જેથી પાકિસ્તાનને ખબર હતી કે આ હુમલો સાતમી મે બાદ થશે. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને ચોંકાવીને સાતમી મેની શરૂઆત થાય તે પહેલા જ પાકિસ્તાનને હચમચાવી નાંખ્યું છે.
હુમલો આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવ્યો
ભારતનો પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરવો નક્કી હતું. પરંતુ બીજી તરફ ભારત રશિયાના વિક્ટરી ડે બાદ જવાબ આપશે તેની આશંકા સેવાઈ રહી હતી. કારણ કે રક્ષામંત્રી રાજનાથસિંહ આ પ્રસંગે રશિયા જવાના હતાં. ભારતે પાકિસ્તાનને આ તમામ ખબરોમાં ફસાવી રાખ્યું અને 6 મેની મોડી રાત્રે અચાનક એર સ્ટ્રાઈક કરી નાંખી હતી. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે આ હુમલો આતંકવાદીઓના ઠેકાણા પર કરવામાં આવ્યો છે. જેમાં 9 ઠેકાણા તબાહ થઈ ગયા છે. આ હુમલામાં 50 આતંકવાદીઓ માર્યા ગયા છે.