જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કરેલા હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યુ છે. પાકિસ્તાની પીએમ શહબાજ શરીફે એક્સ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થાનો પર હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને આ હુમલાના કૃત્યનો શક્તિશાળી જવાબ આપવાનો અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમણે એવું પણ લખ્યું છે કે, પાકિસ્તાની સેના અને જનતા સંપૂર્ણ એકજૂટ છે અને દેશનું મનોબળ મજબૂત છે. પાકિસ્તાની સેના અને દેશ દુશ્મન સાથે વ્યવહાર કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. અમે કોઈ પણ રીતે તેમના નાપાક ઈરાદાઓને સફળ નહીં થવા દઈએ.
ઓપરેશન સિંદુરનો હેતુ માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. આ એર સ્ટ્રાઈક બાદ રક્ષામંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, ઓપરેશન સિંદુરનો હેતુ માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતનો હુમલો પાડોશી દેશ સાથે ઝગડાના હેતુથી નથી કરવામાં આવ્યો.
ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરની શરૂઆત કરી
રક્ષા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરની શરૂઆત કરી છે જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. જ્યાં ભારત વિરૂદ્ધ આતંકી હુમલાની યોજના તૈયાર કરવામાં આવી હતી અને તેને અંજામ આપવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી રાત્રે દોઢ વાગ્યા આસપાસ કરવામાં આવી છે.આ હૂમલો બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યો છે. 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ બેસરન ઘાટીને નિશાન બનાવી હતી. આ દરમિયાન 26 પ્રવાસીઓની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ હૂમલા બાદ ભારતે તેનો જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી હતી.