જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ બંધ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છેલ્લા નવ રાતથી, પાકિસ્તાન તરફથી સતત કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.


આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ત્રણ દિવસ પહેલા, ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સતત યુદ્ધવિરામ ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.

24 એપ્રિલથી પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે.

મંગળવારે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઈ, જેમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર અને ઘૂસણખોરીની ઘટનાઓ પર ચર્ચા કરવામાં આવી. પાકિસ્તાને 24 એપ્રિલની રાતથી LoC ના વિવિધ સેક્ટરમાં ગોળીબાર શરૂ કર્યો હતો, જે અત્યાર સુધી ચાલુ છે. તે જ દિવસે, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી.

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું

જવાબમાં, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું, વાઘા બોર્ડર સીલ કરી દીધી અને ભારત સાથેના તમામ વ્યાપારિક સંબંધો સ્થગિત કરી દીધા. પાકિસ્તાને ધમકી આપી હતી કે જો ભારત પાકિસ્તાનના ભાગનું પાણી વાળવાનો પ્રયાસ કરશે તો તેને "યુદ્ધનું કૃત્ય" ગણવામાં આવશે.

ફેબ્રુઆરી 2021માં, ભારત અને પાકિસ્તાનના DGMO એ 2003 ના યુદ્ધવિરામ કરારને ફરીથી લાગુ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ફરી એકવાર સરહદ પર અશાંતિ અને ભય તરફ ઈશારો કરી રહી છે.

સરહદ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે

ભારત અને પાકિસ્તાન કુલ ૩,૩૨૩ કિલોમીટરની સરહદ ધરાવે છે, જે ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે: આંતરરાષ્ટ્રીય સરહદ (IB), જે ગુજરાતથી જમ્મુમાં અખનૂર ખાતે ચિનાબ નદીના ઉત્તરી કાંઠા સુધી લગભગ 24,00 કિલોમીટર સુધી ફેલાયેલી છે; નિયંત્રણ રેખા (LoC), જે જમ્મુના ભાગોથી લેહ સુધી 740 કિમી લાંબી છે; અને વાસ્તવિક ગ્રાઉન્ડ પોઝિશન લાઇન (AGPL), જે સિયાચીન સેક્ટરને NJ 9842 થી ઇન્દિરા કોલ સુધી 110 કિલોમીટરમાં વિભાજીત કરે છે.

  • Follow us on: