જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાને એક મહિનો પૂર્ણ થયો. ગયા મહિને 22 એપ્રિલે એક વિદેશી સહિત 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ એક મહિનો દેશ માટે ઘણો જ ટેન્શન વાળો રહ્યો. કારણ કે આ એક મહિનામાં ઘણુ બધુ બની ગયુ. આતંકી હુમલાને કારણે ભારતે સિંધુ જળ સંધિ રદ કરી. પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને પછી યુદ્ધવિરામની પણ જાહેરાત કરવામાં આવી. ત્યારે આવો જાણીએ આ એક મહિનામાં શું શું થયુ ?
NIA તપાસ
પહેલગામ હુમલાના બીજા જ દિવસે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસની તપાસ પોતાના હાથમાં લીધી. NIA ટીમે 23 એપ્રિલે આ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી હતી. તપાસ ટીમ દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી. વિદેશ મંત્રાલયે સંસદીય સ્થાયી સમિતિને જાણ કરી છે કે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ વચ્ચેના સંપર્કો જોડાયેલા છે. આ હુમલો અગાઉના હુમલાઓ જેવો જ છે જેની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ લીધી હતી. લશ્કર-એ-તૈયબાનું બીજું નામ TRF છે.
સિંધુ જળ સંધિ સ્થગિત
પહેલગામ આતંકવાદી હુમલાને લઇને દેશમાં એટલો ભયંકર રોષ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક યોજાઈ હતી. 23 એપ્રિલના રોજ યોજાયેલી આ બેઠકમાં પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. ભારતે સિંધુ જળ સંધિ રદ કરી. આ માહિતી પાકિસ્તાનને પણ આપવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી તે આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે. પ્રધાનમંત્રી નિવાસસ્થાને પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ જયશંકર, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાજર રહ્યા હતા.
અટારી બોર્ડર બંધ
ભારતે સીસીએસની બેઠકમાં જ બીજો મોટો નિર્ણય લીધો હતો. ભારત તરફથી પણ અટારી સરહદ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરીને, ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરવા અંગે માહિતી આપી અને કહ્યું કે આ વિઝા પર ભારત આવેલા લોકોએ 48 કલાકની અંદર દેશ છોડી દેવા કહેવામાં આવ્યું હતું. માન્ય દસ્તાવેજોના આધારે ભારત આવેલા પાકિસ્તાની નાગરિકોને 1 મે પહેલા દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું.
પાકિસ્તાની દૂતાવાસના સ્ટાફને દેશ છોડવા આદેશ
પહેલગામ હુમલાના બીજા જ દિવસે, ભારતે પાકિસ્તાની દૂતાવાસના સંરક્ષણ અથવા લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા હતા. આ અધિકારીઓને સાત દિવસની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાની દૂતાવાસના અધિકારી અહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશને 13 મેના રોજ સરકારે પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો અને ભારત છોડવાનું કહેવામાં આવ્યું હતું. પહેલગામ હુમલાના એક મહિના પહેલા, 21 મેના રોજ, ભારતે એક પાકિસ્તાની અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા હતા અને તેમને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનું કહ્યું હતું.