ભારતના 'ઓપરેશન સિંદૂર'ની ગૂંજ પાકિસ્તાન જ નહિ આખી દુનિયામાં સંભળાઈ. મે મહિનાના આરંભમાં ભારતની સેનાએ ઓપરેશન સિંદૂરને અંજામ આપતા પાકિસ્તાન અને આતંકવાદને જોરદાર તમાચો માર્યો છે. પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓને ઠાર કરનારા આતંકવાદીઓના નરાધમ કૃત્યનો ભારતે પંદર દિવસની અંદર સણસણતો જવાબ આપ્યો છે. ભારતે આતંકવાદીઓના અડ્ડા નષ્ટ કર્યા હતા જ્યારે પાકિસ્તાનને આતંકીઓને સમર્થન આપતા ભારત પર હુમલા શરૂ કર્યા હતા. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનની કરોડરજ્જુ કહેવાતા એવા મહત્વના ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા. ભારતની આ કડક કાર્યવાહી જોતા પાકિસ્તાને સેનાનો સામનો ના કરી શકતા સાયબર હુમલા શરૂ કર્યા.
સરહદ પારથી સાયબર એટેક
નાપાક પાકિસ્તાન કયારે પણ સુધરશે નહીં. એકબાજુ યુદ્ધ વિરામની આજીજી કરતા પાકિસ્તાન ઘૂંટણિયે પડે છે અને બીજી બાજુ ભારતીય વેબસાઈટસ પર સાયબર હુમલા કર્યા હોવાનું અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં 7 એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ ગ્રુપ્સની ઓળખ કરવામાં આવી છે. આ ગ્રુપ્સ દ્વારા અંદાજે ભારતની વેબસાઈટ પર 15 લાખથી વધુ સાયબર હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ઉપરાંત ભારતની સરહદ પારના દેશો ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, મોરોક્કો અને પશ્ચિમ એશિયાઈ છેલ્લા કેટલાક દિવસોમાં સાયબર હુમલા વધ્યા છે. જો કે ભારતીય સૈન્યની જેમ સરકાર પણ આ મામલે સતર્ક વલણ અપનાવતા આવા સાયબર હુમલાઓને દૂર કરવા 'Road of Sindoor'ઓપરેશન શરૂ કર્યું છે.
સાયબર હુમલા રોકવામાં મળી સફળતા
સાયબર હુમલાખોરો દાવો કરી રહ્યા છે કે તેઓએ ભારતના એરપોર્ટ, ટેલિકોમ કંપનીઓના ડેટાની ચોરી કરી છે જ્યારે સાયબર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ડેટાની ચોરી થઈ હોવાના દાવાને નકારતા જણાવ્યું કે સરહદ પારથી કરવામાં આવેલ 15 લાખ જેટલા સાયબર હુમલામાંથી 150 સફળ થયા છે. સાયબર સેલ તમામ વેબસાઈટ અને હેકર્સની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. કેટલોક ડેટા ડાર્કનેટ પર દેખાય છે તેમજ જલંધરમાં સ્થિત ડિફેન્સ નર્સિંગ કોલેજની વેબસાઇટને પણ નુકસાન થયું હતું. વધુમાં અધિકારીએ જણાવ્યું કે યુદ્ધ વિરામ બાદ ભારતના સરકારી સ્થાનો પરને વેબસાઈટ પર હુમલાનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ બંધ થયું નથી. સરકારી સ્થળોની મજબૂત સુરક્ષાએ સાયબર હુમલાખોરોને યોગ્ય જવાબ આપ્યો છે.
7 હેકિંગ ગ્રુપ દ્વારા ભારત પર સાયબર હુમલો
'રોડ ઓફ સિંદૂર' ને લઈને અધિકારીએ પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવતા સાયબર યુદ્ધ વિશે માહિતી પૂરી પાડતા જણાવ્યું કે ભારતની વેબસાઈટને હેક કરી નુકસાન પંહોચાડવાના પ્રયાસ કરાયો છે. હેકર્સ દ્વારા માલવેર, ડિનાયલ-ઓફ-સર્વિસ હુમલાઓ અને GPS દ્વારા ભારતીય સાઇટ્સ પર જાસૂસી જેવા હુમલા કરાયા. અધિકારીના રિપોર્ટ મુજબ પાકિસ્તાન સાયબર ફોર્સ, એપીટી 36, મિસ્ટ્રીયસ બાંગ્લાદેશ, નેશનલ સાયબર ક્રૂ, ટીમ ઇન્સેન પીકે, સાયબર ગ્રુપ હોક્સ 1337 અને ઇન્ડો હેક્સ સેક્રેટરી જેવા સાત પાકિસ્તાની હેકિંગ જૂથોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 'રોડ ઓફ સિંદૂર' પહેલા, મહારાષ્ટ્ર સાયબરનો 'પહલગામનો પડઘા' રિપોર્ટ પણ આવ્યો હતો જેમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે જણાવવામાં આવ્યું હતું.