- સંસદ સત્રમાં પહેલા દિવસે જ નીટ પર થયો હંગામો
- રાહુલગાંધીના નિવેદન પર શિક્ષણમંત્રીનો પલટવાર
- રાહુલગાંધીએ પરીક્ષા પ્રણાલી પર ઉઠાવ્યા સવાલ
18મી લોકસભાના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. સત્ર શરૂ થયા પહેલા જ પીએમ મોદીએ ગત સત્રની યાદ અપાવીને ટકોર કરી હતી કે સત્રમાં દેશ માટે લડો પોતાના પક્ષ માટે નહી. ત્યારે લોકસભામાં નીટ પેપરલીક માટે ચર્ચા થઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ પરીક્ષા પ્રણાલી ગંભીર સવાલ ઉઠાવતા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આકરાપાણીએ જોવા મળ્યા હતા. તેમણે રાહુલગાંધીના આક્ષેપોનો વળતો પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ જોઈ રહ્યો છે કે પરીક્ષા પદ્ધતિમાં ઘણી ખામીઓ છે. પરીક્ષા પ્રણાલીમાં ગોટાળો કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દરેકની ખામીઓ ગણાવી, પરંતુ પોતાની ખામીઓ ગણાવી નહીં. રાહુલે કહ્યું કે મારો શિક્ષણ મંત્રીને પ્રશ્ન છે કે તમે આ મુદ્દાના ઉકેલ માટે શું કરી રહ્યા છો?
રાહુલગાંધીએ વધુમાં કહ્યું કે માત્ર નીટની પરીક્ષા વિશે વાત નથી થઇ રહી પરંતુ તમામ પરીક્ષાઓ વિશે વાત થઇ રહી છે. આ એક ગંભીર વિષય છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. રાહુલગાંધીએ કહ્યું કે શિક્ષણ મંત્રી બધાને દોષી ઠેરવી રહ્યા છે, પરંતુ પોતાને નહીં. રાહુલના આ નિવેદન પર શિક્ષણ મંત્રી ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે કોંગ્રેસના સાંસદે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને નકામી ગણાવી તે દુર્ભાગ્યપૂર્ણ છે.
ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ
આ અંગે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આખી શિક્ષણવ્યવસ્થા પર સવાલ ઉઠાવવો ખોટું છે. આખી પરીક્ષા વ્યવસ્થાને બેકાર કહેવી ખોટું છે. પરીક્ષા વ્યવસ્થા પર કોઇ સવાલ ન હોવો જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 7 વર્ષમાં પેપરલીકના એક પણ પુરાવા મળ્યા નથી. સરકાર આ મામલે કંઇ છૂપાવી રહી નથી. તેમણે કહ્યું કે હા કેટલીક જગ્યાએ ગડબડી થઇ છે. પરંતુ પરીક્ષા સિસ્ટમને આખી ફેઇલ ગણાવવી તે દુર્ભાગ્યલપૂર્ણ છે.
પેપરલીકના કોઇ પુરાવા નહી- ધર્મેન્દ્ર પ્રધાન
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ આની સુનાવણી કરી રહ્યા છે. NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો.









