આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયુ પરંતુ પહેલા દિવસથી જ બંને સદનમાં જોરદાર બોલાચાલી જોવા મળી હતી. રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષના નેતા (LoP) મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જે દરમિયાન જગદીપ ધનખડે ખડગેને કહ્યું હતું કે આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આશા છે કે તમે તેને મર્યાદામાં રાખશો.
રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
તેના જવાબમાં ખડગેએ કહ્યું કે આ 75 વર્ષમાં મારું યોગદાન પણ 54 વર્ષ છે. તો મને શીખવશો નહીં. આના પર ધનખડે કહ્યું કે હું તમારું બહુ સન્માન કરું છું અને તમે આવું કહી રહ્યા છો. મને દુઃખ થયું છે. આ પછી રાજ્યસભાની કાર્યવાહી 27 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી.
લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત
બીજી તરફ લોકસભામાં હોબાળો જોવા મળ્યો હતો. આજે લોકસભાની કાર્યવાહી પણ પૂર્ણ થઈ શકી ન હતી. અદાણી મુદ્દે વિપક્ષી નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી 27 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે સત્રમાં અદાણી, મણિપુર હિંસા અને ટ્રેન અકસ્માતોને લઈને હોબાળો થવાની સંભાવના છે. યુએસ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી પર સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને આશરે રૂ. 2,200 કરોડની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધીએ આ મામલે JPCની માંગણી કરી છે.
રાજ્યસભામાં ઉઠ્યો અદાણીનો મુદ્દો
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિરોજુન ખડગેએ રાજ્યસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરે તેમને રોક્યા. ધનખરે કહ્યું કે આ મુદ્દે જે પણ તમે કહેશો તેને રેકોર્ડ કરવામાં આવશે નહીં.
TMC સાંસદે કહ્યું- ઉતાવળમાં વકફ બોર્ડ પર રિપોર્ટ ન આપી શકાય
વકફ (સુધારા) બિલ, 2024 પર, TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું, અમે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા છીએ. જેપીસી અધ્યક્ષ અમારી વાત સાંભળી રહ્યા નથી. રિપોર્ટ ઉતાવળે આપી શકાય નહીં. સ્પીકરે કહ્યું કે તેઓ અમારી ભાવનાઓનું સન્માન કરે છે અને તેઓ સમિતિનો કાર્યકાળ લંબાવશે, દરેકની વાત સાંભળવામાં આવશે. ઘણા વિપક્ષી નેતાઓ ઓમ બિરલાને મળ્યા.









