- બિહારની નીતીશ સરકારને મોટો ફટકો
- કેસની વધુ સુનાવણી 3 જુલાઈએ હાથ ધરાશે
- સરકારની જાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી બંધારણની વિરુદ્ધ
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર પટના હાઇકોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. આને કારણે નીતીશ સરકારને મોટો ફટકો પડયો છે. કેસની વધુ સુનાવણી 3 જુલાઈએ હાથ ધરવાનું નક્કી કરાયું છે ત્યાં સુધી જાતિ આધારિત ગણતરી પર સ્ટે ચાલુ રહેશે. પટના હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ કે.વિનોદ ચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચે આ મામલે વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અત્યાર સુધી જે ડેટા એકઠો કરવામાં આવ્યો છે તેને સુરક્ષિત રાખવામાં આવે.
બિહારમાં હાલ બીજા તબક્કા અને અંતિમ તબક્કાની જાતિ આધારિત વસ્તી ગણતરી ચાલી રહી છે જેના પર કોર્ટનાં આદેશને પગલે સંકટનાં વાદળો ઘેરાયા છે. હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જવું કે નહીં તે અંગે રાજ્ય સરકાર વિચારી રહી હોવાનું પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. શાહીએ જણાવ્યું હતું. જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહેલા અરજદારોએ કહ્યું હતું કે, સરકારની જાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી બંધારણની વિરુદ્ધ છે. જો કે, સરકાર જાતિ આધારિત ગણતરીની તરફેણ કરતા કહ્યું હતું કે, આ વસ્તી ગણતરી નથી.










