આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને તેલુગુ ઉદ્યોગના મોટા સ્ટાર પવન કલ્યાણે આખરે ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રીનિંગ વખતે થયેલી નાસભાગ પરના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. પવન કલ્યાણ માત્ર અલ્લુ અર્જુનના કોસ્ટાર જ નહી પરંતુ તેમના સંબંધી છે. એવામાં આ વિવાદને લઇને શરૂઆતથી જ લોકોને પવન કલ્યાણના નિવેદનની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન કલ્યાણે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પવન કલ્યાણે શું કહ્યું ?
પવન કલ્યાણે કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે. હું આવા કેસમાં પોલીસને દોષ આપતો નથી. તેઓ જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. જો કે થિયેટર સ્ટાફે અલ્લુ અર્જુનને કોઈપણ સમસ્યા અંગે અગાઉ જાણ કરવી જોઈતી હતી. એકવાર તેઓ તેમની સીટ પર બેસી ગયા હતા તો જરૂર પડ્યે તેમને સીટ ખાલી કરવાનું કહેવામાં આવી શકતુ હતુ. તે યોગ્ય રહેતુ કે એલ્લુ અર્જુન તરફથી કોઇ પહેલેથી જ પીડિત પરિવારને મળવા પહોંચી જતુ. આ ઘટનામાં રેવતીનું મોત થયુ તે ઘણી દુઃખની વાત છે. તેઓએ નુકસાનને વધુ મોટી દુર્ઘટનામાં ફેરવી દીધું.
રેવતીના પરિવારને મળવા જવુ જોઇતુ હતું- પવન કલ્યાણ
પવને વધુમાં કહ્યું કે દરેકે રેવતીના પરિવારને મળવા જવું જોઈએ અને સંવેદના વ્યક્ત કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આવુ વર્તન ન હોવાને કારણે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. આ ઘટનાને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો તે જાણીને અર્જુન પણ તેની પીડાને સમજી રહ્યો છે. આ માટે માત્ર અલ્લુ અર્જુનને જવાબદાર ગણવો યોગ્ય નથી. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ મુખ્ય પ્રધાન તરીકે નાસભાગ પછી પરિસ્થિતિ અંગે સટીક પ્રતિભાવ આપ્યો હતો. ક્યારેક ક્યારેક સંજોગો પોતે જ નિર્ણય કરે છે. પહેલા ચિરંજીવી પણ પોતાની ફિલ્મો પોતાના ફેન્સની સાથે જોતા હતા. નહિ તો તેઓ પણ માસ્ક પહેરીને એકલા જ જતા રહેતા.
આ પ્રસંગે પવન કલ્યાણે પુષ્પા 2ના નિર્માતાઓની ભૂલ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેણે કહ્યું કે તેઓએ (ફિલ્મ નિર્માતાઓએ) બીજા જ દિવસે પીડિતાના ઘરે જવું જોઈતું હતું. નિર્માતા, દિગ્દર્શક કે ટીમમાંથી કોઈ અન્ય વ્યક્તિ ત્યાં જઈને તેમને સાંત્વના આપતા અને કહેતા કે તેઓ તેમના દુઃખમાં તેમની સાથે છે. શું તેઓએ આમ કર્યું? જો આમ કર્યુ હોત તો આ બાબત આટલી વધી ન હોત.
અલ્લુ અર્જુનના સમર્થનમાં આ કહ્યું
પવન કલ્યાણે અલ્લુ અર્જુનનો બચાવ કર્યો અને કહ્યું, “શું થયું છે કે સમગ્ર દોષ હીરો પર નાખવામાં આવ્યો છે, તે એકલાને જ નિશાન બનાવવામાં આવ્યો છે. મને આ યોગ્ય ન લાગ્યું. "પછીથી જે પરિસ્થિતિ ઉભી થઈ, કોઈએ તેમને યોગ્ય રીતે માર્ગદર્શન આપ્યું નહીં અને એકવાર કેસ દાખલ થઈ જાય પછી તમે પોલીસને પ્રશ્ન કરી શકતા નથી."
સંધ્યા થિયેટરમાં થઇ હતી ભાગદોડ
ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન પોતે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્પેશિયલ પ્રીમિયર સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. અર્જુન હાજર હોવાના સમાચાર ચાહકોમાં ફેલાઈ ગયા અને તેની એક ઝલક મેળવવા ઉમટી પડેલી વિશાળ ભીડમાં નાસભાગ જેવું વાતાવરણ સર્જાઈ ગયું. જેમાં રેવતી નામની 35 વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ કેસના સંદર્ભમાં પોલીસે અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરી હતી. જો કે બીજા દિવસે જેલમાંથી જામીન પર બહાર આવી ગયો હતો. આ સમગ્ર મામલે લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. એક હિસ્સાએ અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું, જ્યારે બીજાએ અલ્લુ અર્જુન પ્રત્યે પોલીસ અને વહીવટીતંત્રના વલણને અતિરેક ગણાવ્યું.