- નાગપુરમાં RSS દ્વારા પંથ સંચલનનું આયોજન
- ગાયક શંકર મહાદેવન રહ્યા મુખ્ય અતિથિ તરીકે હાજર
- વિરોધીઓને લઇને મોહન ભાગવતે આપ્યુ ખાસ નિવેદન
દર વર્ષની જેમ આ વખતે પણ વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યોએ નાગપુરમાં 'પથ સંચલન'નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર હતા. ગાયક શંકર મહાદેવને RSS વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને કહ્યું કે 'હું વિજયાદશમીના અવસર પર દરેકને શુભેચ્છા પાઠવું છું.
ભારતમાં રહીને ભારતનો વિરોધ- મોહન ભાગવત
RSS વિજયાદશમી ઉત્સવને સંબોધિત કરતી વખતે, RSS ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે વિશ્વમાં અને ભારતમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ નથી ઈચ્છતા કે ભારત આગળ વધે. તેઓ સમાજમાં જૂથબંધી અને અથડામણો ઊભી કરવાનો પ્રયાસ કરે છે. આપણી અજાણતા અને વિશ્વાસના અભાવને કારણે, આપણે પણ ક્યારેક તેમાં ફસાઈ જઈએ છીએ જેથી બિનજરૂરી ઉપદ્રવ સર્જાય છે. જો ભારત આગળ વધશે, તો તેઓ તેમની રમત રમી શકશે નહીં, તેથી તેઓ સતત વિરોધ કરે છે. તેઓ વિરોધ કરવા ખાત ચોક્કસ વિચારધારાને અપનાવે છે.
ભાગવતે દેશની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો
ભાગવતે કહ્યું કે G-20ના પ્રમુખ તરીકે ભારતે યજમાનની ભૂમિકા ભજવી.. G-20માં આવેલા મહેમાનોએ ભારતીયોના ઉષ્માભર્યા આતિથ્યનો અનુભવ, ભારતનો ભવ્ય ભૂતકાળ અને વર્તમાનની ઉમદા ઉડાનએ તમામ દેશોના સહભાગીઓને પ્રભાવિત કર્યા. મોહન ભાગવતે કહ્યું કે ચંદ્રયાન મિશન પણ પુનઃજીવિત ભારતની તાકાત, બુદ્ધિમત્તા અને ચાતુર્યનું શાનદાર પ્રદર્શન કરે છે. દેશના નેતૃત્વની ઈચ્છા આપણા વૈજ્ઞાનિકોના વૈજ્ઞાનિક જ્ઞાન અને ટેકનિકલ કૌશલ્યો સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આપણા દેશના ખેલાડીઓએ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં 100 - 107 થી વધુ મેડલ (28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ) જીતીને આપણા બધાને પ્રોત્સાહિત કર્યા છે. અમે તેને અભિનંદન આપીએ છીએ.









