- CJIના વડપણ હેઠળની બેન્ચ દ્વારા સોમવારે સુનાવણી
- ગેરરીતિઓ આચરનારા ઉમેદવારો અને ગેરરીતિ થઈ હોય તેવા કેન્દ્રોને સજા કરવામાં માંગ
- આ એક્ઝામ રદ કરવાની દાદ માગતી અરજીઓ મામલે સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ થવાની છે
ગત પાંચમી મેના રોજ લેવાયેલી NEET-UG 2024 એક્ઝામમાં કથિત પેપર લીક અને ગેરરીતિઓ બદલ આ એક્ઝામ રદ કરવાની દાદ માગતી અરજીઓ મામલે સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈએ થનારી સુનાવણી પૂર્વે એક્ઝામમાં પાસ થયેલા ગુજરાતના 56 ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને રિ-ટેસ્ટ હાથ ધરતા રોકવાની માગ કરી છે.
NEET-UG રદ કરવા અંગેની અરજીઓ મામલે સીજેઆઇ જસ્ટિસડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની ત્રણ જજની બેન્ચ સોમવારે સુનાવણી હાથ ધરવાની છે. ગુજરાતના અરજદારોની દલીલ છે કે NEET-UG ફરી લેવી પ્રમાણિક અને મહેનતું વિદ્યાર્થીઓ માટે આકરો અને ગેરવાજબી નિર્ણય બની રહેવા ઉપરાંત શિક્ષણના અધિકારના તથા બંધારણની કલમ-14 હેઠળ મળેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘનકર્તા પણ હશે. તેમણે કેન્દ્ર સરકાર અને એનટીએને એવો આદેશ કરવાની દાદ માગી હતી કે ગેરરીતિઓ આચરનારા ઉમેદવારો અને ગેરરીતિ થઈ હોય તેવા કેન્દ્રોને ઓળખીને સજા કરવામાં આવે.










