- સુધા મૂર્તિએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા
- સંસદમાં ઉપરાષ્ટ્રપતિ અને પિયુષ ગોયલ રહ્યા ઉપસ્થિત
- નારાયણ મૂર્તિ પણ તેમની સાથે નજરે આવ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા નામાંકિત કર્યા બાદ લેખિતા સુધા મૂર્તિએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. સંસદમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમની સાથે તેમના ઇન્ફોસિસના સહ સંસ્થાપક અને તેમના પતિ એન. આર. નારાયણ મૂર્તિ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કર્યા હતા નામાંકિત
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ દ્વારા તેમને રાજ્ય સભાના સભ્ય તરીકે નામાંકિત કરાયા હતા. આ અંગે પીએમ મોદીએ માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે મને આનંદ થાય છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અપાર અને પ્રેરણાદાયી રહ્યું છે. રાજ્યસભામાં તેમની હાજરી એ અમારા માટે એક શક્તિશાળી નારી શક્તિનું પ્રમાણપત્ર છે. આપણા રાષ્ટ્રના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને સંભવિતતાનું ઉદાહરણ આપે છે.
હું મારા સ્તરે શ્રેષ્ઠ કામ કરીશ- સુધા મૂર્તિ
રાજ્યસભાના સભ્ય માટે નામાંકિત થયા બાદ તેમણે જણાવ્યું હતું કે હું ખુશ છું સાથે જ મને એવું લાગે છે કે મને વધુ જવાબદારી આપવામાં આવી છે. હું મારા સ્તરે શ્રેષ્ઠ કામ કરીશ. વ્યક્તિગત રીતે હું ખુશ છું કે મને ગરીબો માટે કામ કરવા માટે એક મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે. સાથે જ તેમને જ્યારે રાજનીતિનુ આ એક પગલું ગણી શકાય તે સવાલ કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે તે પોતાને રાજકારણી નથી માનતા. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હું મારી જાતને રાજકારણી માની શકું અને હું રાજકારણી નથી. હું રાજ્યસભાની નોમિનેટ સભ્ય છું.









