- જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકીઓએ મુસાફરોથી ભરેલી બસ પર હુમલો કર્યો
- અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે
- આતંકવાદીઓએ બસ ડ્રાઈવર પર ગોળીબાર શરૂ કરી દીધો હતો
NDA સરકારના સતત ત્રીજા શપથ ગ્રહણ સમારોહ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકીઓએ મુસાફરોથી ભરેલી બસ પર હુમલો કર્યો છે. બસ ખાડામાં પડી છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 33 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જો કે ડેપ્યુટી કલેકટરે 10 લોકોના મોતની જાણ કરી છે.
આતંકવાદીઓએ બસ ડ્રાઈવર પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે ઉંડી ખાઈમાં પડી હતી. મળતી માહિતી મુજબ, આ 55 સીટર બસ શિવખોડીથી કટરા તરફ જઈ રહી હતી. આ હુમલામાં કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા છે. જો કે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ભક્તો યુપીના રહેવાસી છે
એસએસપી રિયાસી મોહિતા શર્માએ માહિતી આપી છે કે બસમાં મુસાફરી કરી રહેલા લોકો સ્થાનિક નહીં પરંતુ યુપીના ભક્તો હતા. તેઓ શિવખોડીથી કટરા પરત ફરી રહ્યા હતા. આ આતંકવાદી હુમલામાં એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળે છે કે આતંકવાદીઓએ બસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે બસે કાબુ ગુમાવ્યો હતો અને ઉંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જો કે હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ શકી નથી. સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
માહિતી મળી છે કે આતંકવાદીઓનું આ સંગઠન રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લામાં છુપાયેલું છે અને ગુપ્ત રીતે આવા ગુનાઓને અંજામ આપી રહ્યું છે. બચાવ કાર્ય માટે પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટના સ્થળેથી ગોળીઓ મળી આવી છે જેનાથી આ ઘટના પાછળ આતંકવાદીઓના ષડયંત્રનો ખ્યાલ આવે છે. યાત્રીઓ વૈષ્ણો દેવી પાસે શિવખોડી ખાતે શિવલિંગના દર્શન કરીને કટરા પરત ફરી રહ્યા હતા.