પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના હેઠળ હવે યુવાનો માટે ઈન્ટર્નશિપની નવી તકો આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરના યુવાનોને ટેકનિકલ તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. જેના માટે પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજનાના બીજા તબક્કા માટે અરજીઓ મગાવવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરની અગ્રણી કંપનીઓ દ્વારા 1.25 લાખથી વધુ ઈન્ટર્નશિપ પોઝિશન ઓફર કરવામાં આવી છે.

25 અલગ અલગ ક્ષેત્રોમાં ઈન્ટર્નશિપની તક

તમામ રસ ધરાવતા યુવાનો હવે શૈક્ષણિક અને અન્ય જરૂરી લાયકાત ધરાવતા આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ વખતે 25 અલગ અલગ ક્ષેત્રોમાં ઈન્ટર્નશિપની તક આપવામાં આવી રહી છે. જેમાં બેન્કિંગ, ઓટોમોબાઈલ, ઉડ્ડયન, કૃષિ, ફાર્મા, આઈટી, હાઉસિંગ, પેટ્રોલિયમ, એફએમસીજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. યુવાનોને દેશના 36 રાજ્યના 740થી વધુ જિલ્લાઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળશે. સરકાર દ્વારા ઈન્ટર્નશિપ માટેની વય મર્યાદા 21થી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. 1,25,000 પોસ્ટ્સ પર ઈન્ટર્નશિપની તકો ઉપલબ્ધ થશે.

ઈન્ટર્નશિપમાં યુવાનોને મળશે પૈસા

12 મહિનાની ઈન્ટર્નશિપ કરનારા યુવાનોને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. આમાંથી કેન્દ્ર સરકાર 4,500 રૂપિયા આપશે. જ્યારે કંપની તેના CSR ફંડમાંથી 500 રૂપિયા આપશે. આ ઉપરાંત પસંદ કરાયેલા ઉમેદવારોને એક વખતની 6,000 રૂપિયાની રકમ પણ આપવામાં આવશે.

1 કરોડ યુવાનો માટે ઈન્ટર્નશિપની તક

કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય આ યોજના દ્વારા 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે. આ અંતર્ગત યુવાનોને ટેકનિકલ અને વ્યાવસાયિક કૌશલ્ય શીખવીને ભવિષ્યના રોજગાર માટે તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમ મેળવતા યુવાનોને તેમની નોકરીમાં વધુ સારું ટેકનિકલ જ્ઞાન પણ મળશે, જે તેમની કારકિર્દી અને ભવિષ્યને મજબૂત બનાવશે.

શું છે અરજી માટેની લાયકાત અને નિયમો?

ધોરણ 10 અને 12, ITI, પોલિટેકનિકમાંથી ડિપ્લોમા, BA, BSc, BCom, BCA, BBA અને BPharma જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ આ ઈન્ટર્નશિપ માટે અરજી કરવા પાત્ર રહેશે. જો ઉમેદવારની કૌટુંબિક આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી વધુ હોય અથવા પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય તો તેઓ આ યોજના માટે પાત્ર રહેશે નહીં. આ ઉપરાંત, IIT, IIM, અથવા IIIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી અભ્યાસ કરેલા ઉમેદવારો પણ અરજી કરવાને પાત્ર નથી.

કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન?

ઈન્ટર્નશિપ માટે અરજી કરવા ઈચ્છતા યુવાનો સત્તાવાર વેબસાઈટ https://pminternship.mca.gov.in/login ની મુલાકાત લઈ શકે છે અને 'યુવા નોંધણી' પર ક્લિક કરી શકે છે. આ પછી, મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો. આ પછી તમે તમારી શૈક્ષણિક લાયકાત, ઈન્ટર્નશિપ ક્ષેત્ર અને અન્ય જરૂરી માહિતી ભરીને અરજી સબમિટ કરી શકો છો.