- વડાપ્રધાનના આ કાર્યક્રમના 100મા એપિસોડ પહેલાં IIMના સરવેમાં જાણવા મળ્યું
- 23 કરોડ લોકો 'મન કી બાત' સાથે નિયમિતપણે, 41 કરોડ પ્રસંગોપાત જોડાય છે
- સરકાર પ્રત્યેનો તેમનો અભિગમ સકારાત્મક બન્યો છે અને 60% લોકોએ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવામાં રસ દાખવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' વિશે લગભગ 96 ટકા વસ્તી માહિતગાર છે. આ કાર્યક્રમના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ લોકો સુધી પહોંચી ગઇ છે, જેઓ આ કાર્યક્રમ વિશે જાણે છે અને ઓછામાં ઓછી એક વખત તેને સાંભળ્યો છે. પ્રસારભારતી દ્વારા સંચાલિત અને આઇઆઇએમ, રોહતક દ્વારા હાથ ધરવામાં આવેલા એક સરવેમાં આ આંકડા બહાર આવ્યા છે. અભ્યાસના તારણો પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદી અને આઇઆઇએમ, રોહતકના ડાયરેક્ટર ધીરજ શર્મા દ્વારા એક પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યા હતા.
શર્માએ અભ્યાસના તારણો વિશે જણાવ્યું હતું કે, 23 કરોડ લોકો નિયમિતપણે કાર્યક્રમમાં જોડાય છે જ્યારે અન્ય 41 કરોડ એવા શ્રોતાઓ છે જેઓ પ્રસંગોપાત જોડાય છે અને તેઓ નિયમિત શ્રોતાઓમાં રૂપાંતરિત થાય તેવી શક્યતાઓ ધરાવે છે. આ અહેવાલમાં વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમના પ્રસારણની લોકપ્રિયતા પાછળના કારણોની તપાસ કરવામાં આવી છે અને લોકોને પ્રસારણ તરફ્ આકર્ષિત કરતી સૌથી વધુ પસંદ પડેલી લાક્ષણિકતાઓની યાદી આપે છે. શ્રોતાઓ સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા માટે વાત કરી શકે તેવું સમર્થ અને નિર્ણાયક નેતૃત્વ આ કાર્યક્રમની લોકપ્રિયતા માટે જવાબદાર કારણ હોવાનું ટાંકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીને દેશના લોકો દ્વારા જાણકાર અને સહાનુભૂતિપૂર્ણ અને લાગણીશીલ અભિગમ ધરાવતા નેતા તરીકે શ્રોય આપવામાં આવ્યો છે.










