આજે બંધારણની 75મી વર્ષગાંઠ છે. ત્યારે દિલ્હીમાં સેન્ટ્રલ હોલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસભા સ્પીકર, રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે વર્ષ 2015થી સંવિધાન દિવસની ઉજવણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિનું સંબોધન
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંબોધન કરતા જણાવ્યું કે સંવિધાન આપણા દેશનો પવિત્ર ગ્રંથ છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે ભારત લોકતંત્રની જનની છે. મહિલા સભ્યોના યોગદાનને નમન કરુ છું. આપણુ સંવિધાન સમાવેશી અને પ્રગતિશીલ છે. દેશની વિભિન્નતાને સંવિધાનને કારણે અભિવ્યક્તિ મળી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણું બંધારણ પ્રગતિશીલ અને સર્વસમાવેશક છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ બંધારણના આદર્શો છે. બંધારણ એ જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણું બંધારણ અન્ય દેશો માટે એક મોડેલ છે. સામાજિક ન્યાયના ધ્યેયો બંધારણ દ્વારા પ્રાપ્ત થયા હતા. નારી શક્તિ વંદન કાયદા દ્વારા મહિલા સશક્તિકરણ પ્રાપ્ત થયું.
સિક્કો, ટપાલ ટિકિટ અને પુસ્તકોનું વિમોચન
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ ટપાલ ટિકિટનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારતના સંવિધાન નિર્માણની એક ઝલક અને ભારતના સંવિધાનનું નિર્માણ અને તેની ગૌરવશાળી યાત્રા નામના પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ બંને પુસ્તકો અંગ્રેજી અને હિંદી ભાષામાં ઉપલબ્ધ છે.
લોકસભા સ્પીકર શું બોલ્યા ?
આ દિવસે 75 વર્ષ પહેલા આપણું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આજે સમગ્ર દેશ બંધારણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે. 2015માં અમે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. અમારો કરાર વર્ષોની મક્કમતા, શક્તિ અને ક્ષમતાનું પરિણામ છે.
આ ઐતિહાસિક ક્ષણ- જગદીપ ધનખર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. અમે બંધારણના અમલની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ 75 વર્ષોમાં અમે ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ બધું બંધારણના કારણે જ શક્ય બન્યું છે.










