આગામી 17 સપ્ટેમ્બર, 2024ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આવી રહ્યો છે. તો આવો જાણીએ નરેન્દ્ર મોદીના સાહસિક શોખ વિશે. 


ક્યારેય આપણે આમ પક્ષીઓને જોતા વિચાર આવે કે આપણે પણ આવી રીતે આકાશમાં ઉડી શકીએ તો... મુક્ત મને આવી રીતે ફરી શકીએ. જો કે ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે પ્રગતિ કરી છે. હવે તો અંતરિક્ષ સુધી પણ આપણી પહોંચ છે. પરંતુ પેરાગ્લાઇડિંગ કરવાની તો મજા કંઇક અલગ જ હોય છે. સાહસ અને રોમાંચથી ભરપૂર એક એવી પ્રવૃત્તિ એટલે પેરાગ્લાઇડિંગ. ત્યારે આપણે આજે વાત કરીએ એ સમયની જ્યારે ભારતમાં પેરાગ્લાઇડિંગની શરૂઆત 90ના દાયકામાં થઇ હતી. વિદેશી વિશેષજ્ઞોએ હિમાચલની ઘાટીમાં પેરાગ્લાઇડિંગની સંભાવના શોધી કાઢી હતી. ભારતમાં પેરાગ્લાઇડિંગના વિકાસમાં હિમાચલ પ્રદેશ અને ખાસ કરીને મનાલીનું યોગદાન સર્વોપરિ છે. ત્યારે આવી સાહસિક ગતિવિધિઓમાં સામેલ થવા માટે સૌ કોઇમાં એક પીએમ મોદી પણ હતા.

મનાલીમાં કર્યુ પેરાગ્લાઇડિંગ 

આમ તો પીએમ મોદીએ સૌને આશ્ચર્ય ચકિત કરી દેવામાં માહેર છે. તેઓ એક રાજનેતા છે જે દેશ ચલાવે છે. વિદેશ પ્રવાસ કરીને રણનીતિક નિર્ણય લે છે. ચૂંટણી રેલીમાં ભાગ લે છે. તેઓ વિદેશના રાજકીય દિગ્ગજો સાથે મુલાકાત કરીને ભારતના અર્થતંત્રને ગતિ વધે તેવા નિર્ણય લે છે. પરંતુ તેઓ યાત્રા કરવા અને સાહસિક પ્રવૃત્તિ કરવા માટેનો શોખ ધરાવે છે. ત્યારે આજે વાત કરીએ પીએમ મોદી વિશે જ્યારે તેમણે 1997માં પહેલીવાર મનાલીમાં પેરાગ્લાઇડિંગ કર્યું.

હવામાન ખરાબ હતું પણ.. પીએમ મોદી 

મનાલીની સોલાંગ ઘાટીમાં પ્રથમ પેરાગ્લાઈડિંગ પ્રશિક્ષકોમાંના એક અને નરેન્દ્ર મોદી સાથે ઉડાન ભરનારા હતા રોશન ઠાકુર. તેમણે પીએમ સાથેના તેમના પ્રથમ સાહસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જૂન, 1997માં પ્રથમ વખત મનાલી આવ્યા હતા. તેમની પ્રથમ યાત્રા દરમિયાન હવામાન સારું ન હતું. વરસાદ પડી રહ્યો હતો અને ઢાળ લપસણો હતો. ખરાબ હવામાનને કારણે અમે પ્રવાસીઓ માટે પેરાગ્લાઈડિંગ પ્રવૃત્તિ બંધ કરી દીધી હતી. હું પણ પેરાગ્લાઈડિંગમાં પણ નવો હતો કારણ કે મેં 1991માં આ કરિયરની શરૂઆત કરી હતી. અમારી પાસે મર્યાદિત સાધનો હતા. પરંતુ ખરાબ હવામાન પીએમ મોદીને પેરાગ્લાઇડિંગ કરતા રોકી ન શક્યું.


ડર્યા તો સ્હેજ પણ નહી

રોશન ઠાકુરે આ વિશે તેમણે જણાવ્યું હતું કે મે મોદીજીને કહ્યું હતું કે લપસી જવાય તેવો ઢોળાવ છે. પરંતુ મોદીજીએ તો ભાર પૂર્વક કહ્યું જ તેઓ પેરાગ્લાઇડિંગ કરવા માગે જ છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પેરાગ્લાઇડિંગ કરીએ છીએ ત્યારે પેરાગ્લાઇડરે પહેલા ઢોળાવ પર દોડવાનું હોય છે. સામાન્ય રીતે આવું કરનાર વ્યક્તિ પહેલી વખત તો ડરી જ જાય છે. પરંતુ મોદીજી સ્હેજ પણ ડર્યા ન હતા. ભલે ઢાળ લપસી જવાય તેવો હતો. તેમણે ખૂબ સહજતાથી ઉડાણ ભરી હતી. આ એક નાની જ ઉડાણ હતી પરંતુ પ્રથમ વખત તેમણે કર્યુ તે ઘણુ જ સારી રીતે કર્યું.

જ્યારે પેરાગ્લાઇડિંગ કોચને પૂછવામાં આવ્યુંકે પ્રથમ ઉડાન માટે પીએમ મોદીની શું પ્રતિક્રિયા હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ મક્કમ હતા. તેમણે કહ્યું હતું કે જો તમે કરી શકો છો તો હું પણ કરી શકું છું.


મનાલી આવે એટલે રોશન ઠાકુરને મળતા  

પીએમ મોદી સાથેની આ પ્રથમ મુલાકાત પેરાગ્લાઇડિંગ કોચ રોશન ઠાકુરની હતી. ત્યાર બાદ મોદીજી સાથે તેમના સંબંધો વધારે ગાઢ બન્યા હતા. મોદીજી જ્યારે પણ મનાવી આવે ત્યારે રોશન ઠાકુરને મળતા. રોશન ઠાકુર કુલ્લુ એરપોર્ટ પર મોદીજીને લેવા જતા હતા. તેમણે કહ્યું કે મોદીજીએ એકવાર પેરાગ્લાઇડિંગ કર્યુ તે બાદ તેમને આ એડવેન્ચર સ્પોર્ટ્સ એટલુ ગમી ગયુ હતું કે જ્યારે તેઓ બીજી વાર અહીં આવ્યા તો તેમણે પ્રસ્તાવ મુક્યો કે આ એક્ટિવિટી દેશના અન્ય ભાગોમાં પણ લોકપ્રિય બનવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના સીએમ બન્યા ત્યાં સુધી તેઓ અચૂક મનાલી આવતા હતા.

જ્યારે તેઓ પીએમ બન્યા બાદ 2017માં કુલ્લુમાં આવ્યા હતા ત્યારે એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે રોશન ઠાકુરને યાદ કર્યા હતા. સ્ટેશ પરથી તેમણે રોશન ઠાકુરના નામનો ઉલ્લેખ કરીને તેમની સાથેની જૂની યાદો વાગોળી હતી.


  • Follow us on: