વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને પ્રાદેશિક નિષ્ણાતો સાથે મુલાકાત કરી છે. આ બેઠક 2025-26ના આગામી કેન્દ્રીય બજેટને લઈને આયોજિત કરવામાં આવી છે. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રોજગારી, ખેતીના ઉત્પાદનમાં સુધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
અનેક વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી
વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન કહ્યું હતું કે 'વિકસિત ભારત' પ્રત્યેની માનસિકતામાં આપણને મૂળભૂત પરિવર્તનની જરૂર છે, જેથી ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની શકે. તેમણે એમ પણ કહ્યું કે આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે ઘણા ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે. આ બેઠકમાં મુખ્યત્વે યુવાનો માટે રોજગારીની તકો વધારવા અને ઘણા ક્ષેત્રોમાં ટકાઉ નોકરીઓનું સર્જન કરવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી હતી.
ખેતીની ઉત્પાદકતા અંગે કરવામાં આવી ચર્ચા
આ દરમિયાન નિષ્ણાતોએ ખેતીની ઉત્પાદકતા વધારવા, ગ્રામીણ વિસ્તારોમાં કાયમી રોજગારીની તકો ઉભી કરવા અને ખાનગી રોકાણને આકર્ષવાનાં પગલાં અંગે પણ ચર્ચા કરી હતી. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જાહેર ભંડોળ એકત્ર કરવા અને નાણાકીય સમાવેશ વધારવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ સૂચનોથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે.
આ બેઠકમાં સુરજીત એસ ભલ્લા, અશોક ગુલાટી, સુદીપ્તો મુંડલ, ધરમકીર્તિ જોશી, જન્મેજય સિંહા, મદન સબનવીસ અને અન્ય જેવા ઘણા અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોએ તેમના મંતવ્યો આપ્યા. તમને જણાવી દઈએ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં આગામી બજેટ રજૂ કરશે.
બજેટ રજૂ કરવાની તારીખ કેમ બદલાઈ?
ભારત સરકારે બજેટ પ્રક્રિયામાં ઘણા ઐતિહાસિક ફેરફારો કર્યા છે. તે જ સમયે, વર્ષ 2017થી બજેટ રજૂ કરવાની તારીખ 28મી ફેબ્રુઆરીથી બદલીને 1લી ફેબ્રુઆરી કરવામાં આવી હતી. તત્કાલિન નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવાથી નવી નીતિઓનું કામ પૂર્ણ કરવામાં ઓછો સમય બચ્યો હતો. તેમજ રેલવે બજેટને સામાન્ય બજેટમાં મર્જ કરીને અંગ્રેજોના સમયથી ચાલી આવતી અલગ રેલવે બજેટની પરંપરાનો અંત લાવવામાં આવ્યો હતો. બજેટ રજૂ કરવાનો સમય પણ સાંજે 5 વાગ્યાથી બદલીને સવારે 11 વાગ્યા કરવામાં આવ્યો હતો, જેથી ગૃહમાં ચર્ચા માટે વધુ સમય મળે.