પીએમ મોદી અત્યારે જયપુરમાં છે. તેઓએ જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યુ હતું. હાલ તેઓ સમિટમાં સંબોધન કરી રહ્યા છે. મહત્વનું છે કે સહભાગી દેશો અને રાજસ્થાન વચ્ચે સહકાર અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કુલ આઠ દેશો માટે રાષ્ટ્રીય સત્રો અને રાઉન્ડ ટેબલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ પહેલા રૂ. 30 લાખ કરોડના રોકાણ દરખાસ્તો માટે કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
PM મોદી કરી રહ્યા છે સંબોધન
સમિટમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે રાજસ્થાનના લોકોએ ભારે બહુમતથી ભાજપની સરકાર બનાવી. રાજસ્થાનમાં વિકાસનું કાર્ય ઝડપી થઇ રહ્યુ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતે તેની અર્થવ્યવસ્થા લગભગ બમણી કરી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની નિકાસ પણ લગભગ બમણી થઈ ગઈ છે. FDI પણ 2014 પહેલાના દાયકાની સરખામણીમાં છેલ્લા દાયકામાં બમણાથી વધુ થઈ ગયું છે.
5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે આજે વિશ્વના દરેક નિષ્ણાંત અને દરેક રોકાણકાર ભારતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે જે વિકાસ સાધ્યો છે તે દરેક ક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે. આઝાદી પછી સાત દાયકામાં ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શક્યું હતું, જ્યારે છેલ્લા 10 વર્ષમાં ભારત 11મી અર્થવ્યવસ્થામાંથી વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
સમિટમાં આ દિગ્ગજો રહ્યા હાજર
આ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે. . કુમાર મંગલમ બિરલા, અનિલ અગ્રવાલ, ગૌતમ અદાણી, આનંદ મહિન્દ્રા, સંજીવ પુરી, અજય એસ. શ્રીરામ સહિત દેશના અનેક ઉદ્યોગપતિઓ મંચ પર હાજર રહ્યા છે. . ઉદ્ઘાટન સત્રમાં જાપાનના રાજદૂત કેઇચી ઓનો પણ હાજર રહ્યા. ત્યારે કાર્યક્રમની શરૂઆતને પગલે સંબોધન દરમિયાન પીએમ મોદીએ દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અને રોકાણકારોને આવકાર્યા હતા.