- દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકો સુધી રેડિયો કનેક્ટિવિટી વધી
- PM મોદીએ કહ્યું - હું શ્રોતા પણ છું અને હોસ્ટ પણ
- મોટાભાગનાં ગામડાઓ સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચ્યા
પીએમ મોદીએ દેશનાં 18 રાજ્યોમાં 91 FM ટ્રાન્સમીટર્સનું લોકાર્પણ કર્યું હતું. આને કારણે દેશના 85 જિલ્લામાં 2 કરોડ લોકો સુધી સરહદી વિસ્તારોમાં રેડિયો કનેક્ટિવિટી વધશે. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી FM ટ્રાન્સમીટર્સની લોકોને ભેટ આપતા કહ્યું હતું કે દેશનાં 99 ટકા ગામડાઓ સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચતા હવે મોબાઈલ ડેટા સસ્તા થયા છે અને તેને કારણે એક્સેસ ઓફ ઈન્ફર્મેશન આસાન બન્યું છે. PM મોદીનાં મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ મન કી બાતનાં 100માં સંસ્કરણના બે દિવસ પહેલાં FM રેડિયોનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. લદાખના ન્યોમા ખાતે વિશ્વનું સૌથી ઊંચું ટ્રાન્સમીટર લગાવવાનો રેકોર્ડ બન્યો છે.
કયા રાજ્યોને લાભ?
ગુજરાત, બિહાર, ઝારખંડ, ઓડિશા, પિૃમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, લદાખ, આંદામાન-નિકોબાર.
PM મોદીએ મન કી બાતનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ગણતરીના દિવસ પછી રેડિયો પર મારી મન કી બાતનો 100મો એપિસોડ પ્રસારિત થવાનો છે. મન કી બાતનો આ અનુભવ દેશનાં લોકો માટે રેડિયો દ્વારા ભાવનાત્મક જોડાણનો છે. હું તેનાં દ્વારા દેશનાં લોકોનાં સામર્થ્ય અને સામૂહિક કર્તવ્ય શક્તિથી જોડાયેલો રહીશ. હું શ્રોતા પણ છું અને હોસ્ટ પણ છું. સરકાર ટેકનિકલ સુધારા દ્વારા લોકોને અનેક અવસરો પૂરા પાડી રહી છે. આધુનિક ટેકનિક સૌને ઉપયોગી અને પરવડે તેવી બને તે અમારો હેતુ છે.
ડિજિટલ ઇન્ડિયા દ્વારા રેડિયો માટે નવા શ્રોતા અને નવી સોચ
ડિજિટલ ઈન્ડિયા દ્વારા રેડિયો માટે શ્રોતાનો નવો વર્ગ ઊભો થયો છે અને લોકોમાં નવી સોચ જન્મી છે. ઈન્ટરનેટને કારણે રેડિયોમાં ઓનલાઈન FM તેમજ પોડકાસ્ટનાં નવા માધ્યમોઆસાન બન્યા છે. FM ટ્રાન્સમિશનનું પ્રસારણ દેશમાં 27 ભાષા બોલનારાઓને રેડિયો દ્વારા જોડશે.
સોશિયલ કનેક્ટિવિટી પર પણ જોર
વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે આપણે કનેક્ટિવિટીની વાત કરીએ છીએ ત્યારે આપણી સામે રોડ, રેલ, એરપોર્ટની તસવીર આવે છે. પણ અમારી સરકારે ફિજિકલ કનેક્ટિવિટી ઉપરાંત સોશિયલ કનેક્ટિવિટી વધારવા પર પણ ભાર આપ્યો છે. સરકાર કલ્ચરલ અને ઇન્ટલેક્ચ્યુઅલ કનેક્ટિવિટીને મજબૂત કરી રહી છે.