મૈકાના PM હોલનેસ ભારતની મુલાકાતે છે. PM મોદીએ મંગળવારે હોલેનેસ અને તેમના દેશના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. આ દરમિયાન જમૈકાના PM એન્ડ્રુ હોલનેસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારત અને જમૈકા વચ્ચે એક સમજૂતી પત્રની પણ આપ-લે કરવામાં આવી હતી.
PM મોદીએ કહ્યું કે, જમૈકા ભારતનો લાંબા સમયથી મિત્ર રહ્યો છે. મને ઘણી વખત વડાપ્રધાન હોલનેસને મળવાની તક મળી છે અને દરેક વખતે મેં ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા અનુભવી છે. મને વિશ્વાસ છે કે તેમની આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને તેમજ સમગ્ર કેરેબિયન ક્ષેત્ર સાથેના આપણા સંબંધોને નવી ઉર્જા આપશે.
PM મોદીએ "4Cs"નો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો આપણા સહિયારા ઈતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે. ચાર Cs (સંસ્કૃતિ, ક્રિકેટ, કોમનવેલ્થ અને CARICOM કેરેબિયન સમુદાય) અમારા સંબંધોને દર્શાવે છે. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યું છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસ ભાગીદાર રહ્યું છે.
દિલ્હીમાં જમૈકા હાઈ કમિશનની સામેના રસ્તાને 'જમૈકા માર્ગ' નામ અપાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે દિલ્હીમાં જમૈકા હાઈ કમિશનની સામેના રસ્તાને 'જમૈકા માર્ગ' નામ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત અને જમૈકા ભલે વિશાળ મહાસાગરો દ્વારા અલગ પડે, પરંતુ આપણા લોકો, આપણી સંસ્કૃતિ અને આપણો ઈતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે. લગભગ 180 વર્ષ પહેલા ભારતમાંથી લોકોના જમૈકામાં સ્થળાંતરથી આપણા 'લોકોથી લોકો' સંબંધોનો મજબૂત પાયો નાખ્યો હતો, તેનું જીવંત ઉદાહરણ ભારતીય મૂળના આશરે 70,000 લોકો છે જેઓ જમૈકાને ઘર કહે છે.
જમૈકાના વડાપ્રધાને ભારતના વખાણ કર્યા
તે જ સમયે, જમૈકાના વડા પ્રધાન એન્ડ્ર્યુ હોલનેસે કહ્યું કે જમૈકા આપણી આઝાદી પછીથી ભારત સાથેના મજબૂત ભાઈચારાના સંબંધોને મહત્ત્વ આપે છે. ભારતીયોએ જમૈકામાં લગભગ બે સદીઓથી પોતાની ઓળખ બનાવી છે. આરોગ્ય, શિક્ષણ, માહિતી ટેકનોલોજી અને વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં આપણા દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. અમે 1845માં પ્રથમ ભારતીયોના આગમનની યાદમાં દર વર્ષે 10 મેના રોજ ભારતીય વારસો દિવસ ઉજવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ખૂબ જ ફળદાયી વાતચીત પછી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આજે જમૈકા-ભારત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા તબક્કાની શરૂઆત છે. અમારી ચર્ચાઓમાં આરોગ્ય, કૃષિ, ડિજિટલ પરિવર્તન, ફિલ્મો, શિક્ષણ, રમતગમત, પ્રવાસન અને અન્ય ઘણા વિષયો સહિત પરસ્પર હિતના મુદ્દાઓની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી હતી.
જમૈકાના વડાપ્રધાને કહ્યું કે, અમે STEM શિક્ષણ અને ડિજિટલાઇઝેશનના ક્ષેત્રમાં ભારત પાસેથી શીખવા આતુર છીએ. ટેક્નોલોજી આધારિત સુરક્ષા સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રેસર એવા ભારતને આપણે કુદરતી ભાગીદાર તરીકે જોઈએ છીએ. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત માટે ઉર્જા સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. તેથી મને ભારત સરકારની આગેવાની હેઠળના ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં જોડાવાના જમૈકાના ઇરાદાની જાહેરાત કરતાં આનંદ થાય છે.









