• પીએમ મોદી જશે પોલેન્ડ
  • 45 વર્ષમાં પહેલીવાર ભારતીય પીએમ કરશે પોલેન્ડનો પ્રવાસ
  • પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયને મળશે પીએમ મોદી

પીએમ મોદી 21 અને 22 ઑગષ્ટે પોલેન્ડના પ્રવાસે જઇ રહ્યા છે. 45 વર્ષમાં આવુ પહેલીવાર હશે જ્યારે કોઇ ભારતીય પીએમ પોલેન્ડની મુલાકાત લેવાના હોય. મળતી માહિતી મુજબ પીએમ મોદી યુદ્ધગ્રસ્ત યુક્રેન પણ જવાના છે. ત્યારે શું છે પીએમ મોદીના વિદેશ પ્રવાસના કાર્યક્રમ, આવો જાણીએ.

શું છે કાર્યક્રમ ?

 21મી ઓગસ્ટે પોલેન્ડના વોર્સોમાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે. આ ઉપરાંત વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. એટલું જ નહીં પીએમ મોદી પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.


પીએમ મોદી યુદ્ધ ગ્રસ્ત દેશ યુક્રેનની પણ મુલાકાતે જવાના છે. 23 ઑગષ્ટે તેઓ કિવમાં રાજકીય, વેપાર, આર્થિક, રોકાણ, શિક્ષણ, સાંસ્કૃતિક, જનસંપર્ક, માનવતાવાદી સહાય અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. તેઓ યુક્રેનમાં ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પણ મળશે.


શું કહ્યું વિદેશ મંત્રાલયે ?

આ અંગે વિદેશ મંત્રાલયે જાહેરાત કરતા જણાવ્યું કે આ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મુલાકાત હશે. 30 વર્ષ પહેલા બંને દેશોની વચ્ચે રાજકીય સંબંધો સ્થાપિત થયા બાદ ભારતીય પીએમની યુક્રેનની આ પહેલી યાત્રા હશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ પોલેન્ડથી કિવ સુધી ટ્રેનમાં મુસાફરી કરશે, જેમાં લગભગ 10 કલાકનો સમય લાગશે. પરત ફરવાની મુસાફરી પણ લગભગ સમાન સમયગાળાની હશે.

મહત્વનો રહેશે યુક્રેન મુલાકાત

રશિયાના પ્રદેશમાં કિવના તાજેતરના લશ્કરી હુમલા વચ્ચે પીએમ મોદી યુક્રેનની મુલાકાત લઇ રહ્યા છે. PM મોદીની કિવની મુલાકાત તેમની મોસ્કોની હાઇ-પ્રોફાઇલ મુલાકાતના અઠવાડિયા પછી થઇ રહી છે. જેને યુએસ અને તેના કેટલાક પશ્ચિમી સાથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી-ઝેલેન્સ્કી વાટાઘાટો ભારત-યુક્રેન સંબંધોના સમગ્ર પરિમાણ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. જેમાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય અને શિક્ષણ, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. ભારતને યુક્રેનના પુનઃનિર્માણમાં રસ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત માત્ર સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે જ નહીં પરંતુ તમામ જરૂરી સહાય અને યોગદાન આપવા માટે પણ તૈયાર છે.


  • Follow us on: