હરિયાણામાં મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાર્ટીએ 10માંથી 9 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે માનેસરમાં એક અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. કોંગ્રેસ કોઈ પણ કોર્પોરેશનમાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. પાર્ટીના પરિણામોને કારણે ભાજપમાં ખુશીનો માહોલ છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી
ત્યારે ભાજપના કાર્યકરોની સાથે, રાજ્યના નેતાઓએ પણ આ જીતની ઉત્સાહથી ઉજવણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને પાર્ટીની જીત બદલ અભિનંદન આપ્યા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, 'હરિયાણા મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બદલ હું હરિયાણામાં મારા પરિવારના સભ્યોનો ખૂબ આભારી છું.' પીએમએ પાર્ટીની જીત માટે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વની પ્રશંસા કરી છે.
'જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરીશું'
પીએમએ પોતાની પોસ્ટમાં કહ્યું, 'આ જીત રાજ્યમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વ હેઠળની સરકારના વિકાસ કાર્યોમાં લોકોના અતૂટ વિશ્વાસની અભિવ્યક્તિ છે.' પીએમએ વધુમાં કહ્યું, 'હું રાજ્યના લોકોને ખાતરી આપું છું કે અમે તેમની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.' તેમણે જનતાને ખાતરી આપી કે લોકોને પાર્ટી પાસેથી જે પણ અપેક્ષાઓ છે તે કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવામાં આવશે.
વડાપ્રધાને કાર્યકર્તાઓને શું કહ્યું ?
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાર્ટીના કાર્યકરોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ મહાન વિજયમાં સમર્પિત પક્ષના કાર્યકરોની મહેનતે મોટી ભૂમિકા ભજવી છે, જેના માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છે.