- પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો
- એસપી, ડીસીપી સહિત કુલ 7 લોકો સસ્પેન્ડ
- પંજાબના ગૃહ વિભાગનો આદેશ
5 જાન્યુઆરી 2022એ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઇ હતી. જે મામલે ભટીંડાના એસપી સહિત બે ડીસીપી એમ મળીને કુલ 7 લોકોને સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરવિંદર સિંહ સાંગા, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, બલવિંદર સિંહ, જસવંત સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પંજાબ ગૃહ વિભાગનો આદેશ
પંજાબના ગૃહ વિભાગ તરફથી જાહેર કરાયેલા આદેશ અનુસાર ગુરવિંદર સિંહ સાંગા હાલમાં ભટિંડા જિલ્લામાં એસપી તરીકે તૈનાત હતા. તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 5 જાન્યુઆરી, 2022 ના રોજ, પ્રદર્શનકારીઓ દ્વારા નાકાબંધીને કારણે વડાપ્રધાન મોદીનો કાફલો ફિરોઝપુરમાં ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. જે બાદ તેઓ રેલી સહિતના કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી પરત ફર્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા સુરક્ષા ભંગને કારણે મોટો રાજકીય વિવાદ ઉભો થયો હતો.
સસ્પેન્શનનો સમયગાળો ભટીંડામાં વિતાવશે
રિપોર્ટ અનુસાર એસપી ગુરવિંદર સિંહ સાંગા વિરુદ્ધ આ કાર્યવાહી ગૃહ વિભાગના સચિવ ગુરુ કૃપાલ સિંહના આદેશ બાદ કરવામાં આવી છે. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે એસપી સાંગાએ ડીજીપી પંજાબની ઓફિસમાં રિપોર્ટ કરવો પડશે ઉલ્લેખનીય છે કે સાંગા હાલમાં ભટિંડાના એસપી પદ પર તૈનાત છે. હવે સસ્પેન્ડ થયા બાદ તેમણે ડીજીપી ઓફિસ પંજાબમાં રિપોર્ટ કરવો પડશે. તેઓ પરવાનગી વગર ઓફિસની બહાર નીકળી શકશે નહીં. મતલબ કે હવે તેમનો સમય ડીજીપી ઓફિસમાં જ પસાર થશે. હવે તે ભટિંડા છોડીને તરત જ ડીજીપી ઓફિસ પહોંચશે અને ત્યાં સસ્પેન્શનનો સમયગાળો વિતાવશે.