• વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓગસ્ટે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
  • આ સમયગાળા દરમિયાન પીએમ મોદી મુંબઈ અને પાલઘરમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
  • પીએમ મોદી પાલઘરમાં લગભગ 76,000 કરોડ રૂપિયાના વાધવન પોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓગસ્ટે મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે. આ સમયગાળા દરમિયાન પીએમ મોદી મુંબઈ અને પાલઘરમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન પાલઘરમાં લગભગ 76,000 કરોડ રૂપિયાના વધાવન પોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF)ને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાન મોદી 30 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2024ને સંબોધિત કરશે. આ પછી, લગભગ 1:30 વાગ્યે, પીએમ મોદી પાલઘરના સિડકો ગ્રાઉન્ડમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પાલઘર જિલ્લામાં દહાનૂ શહેરની નજીક સ્થિત વધાવન બંદર, ભારતના સૌથી મોટા ઊંડા પાણીના બંદરોમાંનું એક હશે.

આ બંદર 2039 સુધીમાં પૂર્ણ થવાની આશા

વધાવન પોર્ટ આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે, ટ્રાન્ઝિટ સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. પોર્ટમાં ડીપ બર્થ, કાર્યક્ષમ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને અત્યાધુનિક ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ આધુનિક મેનેજમેન્ટ સિસ્ટમ હશે. આ બંદર ભારતની મેરીટાઈમ કનેક્ટિવિટી વધારશે અને વૈશ્વિક વેપાર હબ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરશે.

આ બંદરનું નિર્માણ વધાવન પોર્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) દ્વારા રચાયેલી એક સંસ્થા છે, જેનો હિસ્સો 74% અને 26% છે. આ બંદરનો પહેલો તબક્કો 2029 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે બીજો અને અંતિમ તબક્કો 2039 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

માછીમારીના જહાજો પર લગાવવામાં આવશે ટ્રાન્સપોન્ડર

આ સાથે વડાપ્રધાન લગભગ રૂ. 1,560 કરોડના ખર્ચની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં આ ક્ષેત્રની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતાને વેગ આપવાનો છે. આ પહેલોથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં પાંચ લાખથી વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

લગભગ રૂ. 360 કરોડના ખર્ચે નેશનલ રોલ આઉટ ઓફ વેસલ કોમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમ પણ લોન્ચ કરશે. આ હેઠળ, 13 દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિકેનાઈઝ્ડ અને મોટરાઈઝ્ડ ફિશિંગ જહાજો પર 1 લાખ ટ્રાન્સપોન્ડર સ્થાપિત કરવામાં આવશે.

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને કરશે સંબોધિત

વડાપ્રધાન મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ના વિશેષ સત્રને સંબોધિત કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધવી પુરી બુચ સહિત દેશના ટોપના નિયમનકારો પણ આ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરશે. GFF એ વાર્ષિક ફિનટેક કોન્ફરન્સ છે.

આ વર્ષે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન મુંબઈમાં 28 થી 30 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. તેમાં 350થી વધુ સત્રોમાં 800થી વધુ વક્તાઓ અને 80,000 સહભાગીઓ શામેલ હશે. GEFનું આયોજન પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે.

  • Follow us on: