- દિલ્હી પોલીસે આ પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ
- CM કેજરીવાલે આતિષીના એકાઉન્ટમાંથી આ ક્લિપને રીટ્વીટ કરી
- સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવી
ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ મનીષ સિસોદિયાને કોલરથી પકડીને દૂર લઈ જતી જોવા મળી હતી. આ ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે.
મનીષ સિસોદિયાને આ રીતે પકડીને લઈ જવાના ફૂટેજ શેર કરતા સીએમ કેજરીવાલે લખ્યું, શું પોલીસને મનીષ જી સાથે આ રીતે ગેરવર્તન કરવાનો અધિકાર છે? શું ઉપરથી પોલીસને આવું કરવા માટે કહેવામાં આવ્યું છે? આ મામલામાં ઘેરાયેલા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.
દિલ્હી પોલીસે આ પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ
CM કેજરીવાલે આતિષીના એકાઉન્ટમાંથી આ ક્લિપને રીટ્વીટ કરી છે. આ વિડીયો શેર કરતા આતિશીએ લખ્યું કે, રાઉઝ એવન્યુ કોર્ટમાં આ પોલીસકર્મી દ્વારા મનીષ જી સાથે ચોંકાવનારો દુર્વ્યવહાર. દિલ્હી પોલીસે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ.
સિસોદિયાએ કોર્ટ પાસે ટેબલ, ખુરશીની માંગણી કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનીષ સિસોદિયાએ સુનાવણી દરમિયાન ટેબલ, ખુરશી અને કેટલાક પુસ્તકોની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. વાસ્તવમાં, એક્સાઇઝ કૌભાંડ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થવાની હતી, જેના માટે તેમને આજે રજૂ કરવામાં આવ્યા હતા.









