• કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકને સંબોધતા કહ્યું- માહોલ આપણી તરફેણમાં

  • જોકે આપણે આત્મસંતોષી કે વધુ પડતા આત્મવિશ્વાસમાં નથી રહેવાનું
  • સોનિયા ગાંધીએ વાયનાડના ભૂસ્ખલનના અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી

આવનારા મહિનાઓમાં મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સંસદીય પક્ષનાં ચેરપર્સન સોનિયા ગાંધીએ બુધવારે સંવિધાન સદન (જૂના સંસદભવન)ના સેન્ટ્રલ હૉલમાં સંસદીય પક્ષની જનરલ બૉડીની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે એવી અપેક્ષા હતી કે લોકસભા ચૂંટણીના પરિણામમાંથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર યોગ્ય બોધપાઠ લેશે પણ તેઓ સમાજો વચ્ચે ભાગલાં પાડવાની અને ભય-દુશ્મનાવટનો માહોલ ફેલાવવાની તેમની નીતિને જ વળગી રહ્યા છે.

માહોલ કોંગ્રેસની તરફેણમાં છે પણ આપણે આત્મસંતોષી કે વધુ પડતા આત્મવિશ્વાસુ નથી રહેવાનું. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસને જે ગતિ મળી છે તેને આપણે જાળવી રાખવાની છે. આગામી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો રાષ્ટ્રીય રાજકારણનો કાયાપલટ થશે. નોંધનીય છે કે આ વર્ષે મહારાષ્ટ્ર ઉપરાંત હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આ વર્ષે જ ચૂંટણી થવાની શક્યતા છે. સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાના માર્ગમાં દુકાનો પર માલિકોના નામ લખવાના રાજ્ય સરકારના આદેશના વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે સદ્ભાગ્યે સુપ્રીમ કોર્ટે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો પણ આ હંગામી રાહત હોઇ શકે છે. તેમણે દાવો કર્યો કે સરકારી કર્મીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મંજૂરી આપવા નિયમો અચાનક બદલી દેવાયા. આ સંગઠન પોતાને સાંસ્કૃતિક સંગઠન કહે છે પણ આખી દુનિયા જાણે છે કે તે ભાજપનો રાજકીય-વૈચારિક આધાર છે. સોનિયા ગાંધીએ વાયનાડના ભૂસ્ખલનના મૃતકોના પરિવારજનો સહિત અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય બજેટ અંગે તેમણે કહ્યું કે બજેટમાં ખેડૂતો અને યુવા વર્ગને નજરઅંદાજ કરાયા છે.


  • Follow us on: