- પુંછમાં સેનાના કાફલા પર હુમલો મામલે સર્ચ ઓપરેશન યથાવત
- ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા
- "આતંકવાદીઓ મતદાન પહેલા ભયનું વાતાવરણ ઉભું કરવા માંગે છે"
પુંછમાં સેનાના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન સેનાએ બે પાકિસ્તાની આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે અને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
જમ્મુ અને કાશ્મીરના પુંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પર સુરક્ષા દળોએ 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છેદરમિયાન, ભારતીય સેના હુમલાખોર આતંકવાદીઓની શોધમાં આ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, પુંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબુ હમઝાની આગેવાની હેઠળના જૂથે હુમલો કર્યો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો એકે એસોલ્ટ રાઈફલ્સ અને અમેરિકન બનાવટની M-4 કાર્બાઈન્સ અને સ્ટીલ બુલેટથી કર્યો હતો. તમને જણાવી દઈએ કે શનિવારે સાંજે પૂંચના સુરનકોટમાં ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે 4 અન્ય જવાનો ઘાયલ થયા હતા.
"આતંકવાદીઓ મતદાન પહેલા ભયનું વાતાવરણ ઉભું કરવા માંગે છે"
વાયુસેના કાફલામાં કુલ 2 વાહનો હતા, જેમાંથી એક આર્મીનું વાહન હતું અને બીજું ભારતીય વાયુસેનાનું હતું. જેમાં આતંકીઓએ એરફોર્સના વાહનને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે પૂંચ ક્ષેત્ર અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તારમાં આવે છે. અનંતનાગ-રાજૌરીમાં લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં આ ઘટના સુરક્ષા દળો માટે મોટો પડકાર બની ગઈ છે.
ભારતીય વાયુસેના સોમવારે આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ માટે સુરક્ષા દળોએ અલગ-અલગ સ્થળોએ ચેકપોસ્ટ લગાવી છે. આ દરમિયાન સેનાએ બે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. જેમાં આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.