રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 સપ્ટેમ્બર 2024ના રોજ લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે. આ દરમિયાન તે ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોને મળશે. તેમની સાથે વાત કરશે. દ્રૌપદી મુર્મુ સિયાચીનની મુલાકાત લેનારા ત્રીજા રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ ભવને બુધવારે જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે (26 સપ્ટેમ્બર, 2024) સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે અને ત્યાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે.
આ પહેલા બે રાષ્ટ્રપતિએ સિયાચીનની મુલાકાત લીધી હતી
લદ્દાખની બે દિવસીય મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિયાચીન ગ્લેશિયરની પણ મુલાકાત લેશે. તે મુશ્કેલ સંજોગોમાં દેશની સેવા કરી રહેલા સેનાના જવાનોનું મનોબળ વધારશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડો. APJ અબ્દુલ કલામે એપ્રિલ 2004માં સિયાચીનની અને મે 2018માં રામનાથ કોવિંદે મુલાકાત લીધી હતી. ભારતીય સેનાનો બેઝ કેમ્પ વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે. તે સિયાચીન ગ્લેશિયર પર 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે.
વિશ્વનો સૌથી ઉંચો લશ્કરી ક્ષેત્ર
સિયાચીન ગ્લેશિયર હિમાલયની કારાકોરમ માઉન્ટેન રેંજમાં છે. આ વિશ્વનો સૌથી ઉંચો લશ્કરી ક્ષેત્ર છે. અહીં સૈનિકોને હિમ લાગવાથી અને તીવ્ર ઠંડા પવનોનો સામનો કરવો પડે છે. ઓપરેશન મેઘદૂત ચલાવીને ભારતીય સેનાએ 13 એપ્રિલ 1984ના રોજ આ વિસ્તાર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું.
લદ્દાખની સ્થાપના
નોંધનીય છે કે, લદ્દાખની સ્થાપના 31 ઓક્ટોબર 2019ના રોજ કરવામાં આવી હતીં. આગામી 31 ઓક્ટોબરના રોજ લદ્દાખના સ્થાપના દિવસની ઉજવણી સિંધુ કલ્ચર હોલ લેહ ખાતે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદો લાગુ કર્યો. આ કાયદા હેઠળ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશો 31 ઓક્ટોબર 2019ના રોજ અસ્તિત્વમાં આવ્યા હતા.
લદ્દાખ તેની સ્થાપનાના ચાર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાના ચાર વર્ષ પૂરા થયાની યાદમાં લદ્દાખ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.