• 8મા રોજગાર મેળામાં પીએમ મોદીનું વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન

  • ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન મેળવશે : વડાપ્રધાન
  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને દિલ્હી પોલીસમાં કર્મીઓની ભરતી કરી રહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત સોમવારે 51 હજાર યુવાઓને નિયુક્તિ પત્ર સોંપ્યા. આ યુવાઓની અર્ધલશ્કરી દળોમાં ભરતી થઈ છે. વડાપ્રધાને 8મા રોજગાર મેળામાં યુવાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન મેળવશે. આઝાદીના આ અમૃતકાળમાં આજે જે યુવાઓને નિયુક્તિ પત્ર મળી રહ્યા છે તેઓ દેશસેવાની સાથે સાથે દેશના નાગરિકોનું રક્ષણ પણ કરશે. યુવાઓ માટે નવી તકો ઊભી કરવા અર્ધલશ્કરી દળોની ભરતીપ્રક્રિયામાં ઘણા ફેરફાર કરાયા છે.

મોદીએ ઉમેર્યું હતું કે હવે ભરતીપ્રક્રિયા પૂરી કરવામાં પણ પહેલાં કરતાં ઓછો સમય લાગે છે. અર્થતંત્રમાં ગ્રોથ માટે તમામ સેક્ટર્સનું આગળ વધવું જરૂરી છે. ફૂડથી માંડીને ફાર્મા અને સ્પેસથી લઇને સ્ટાર્ટઅપ્સ સહિતના તમામ સેક્ટર્સમાં ગ્રોથ થશે તો જ અર્થતંત્રને વેગ મળશે. આજના દિવસે જ જન ધન યોજના લૉન્ચ કરાઈ હતી. આજે નબળા વર્ગના 50 કરોડથી વધુ લોકોના બેન્ક ખાતાં ખૂલી ચૂક્યા છે. બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે જે ફેરફાર કરાયા છે તેના કારણે સામાન્ય માણસ માટે બેન્કો સુલભ થઈ છે. અમે મેડ ઇન ઇન્ડિયા લેપટોપ-કમ્પ્યૂટરની ખરીદી પર ભાર મૂકી રહ્યા છે, જેનાથી મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. મોદીએ કેન્દ્ર સરકારની નોકરીઓમાં 18 મહિનામાં 10 લાખ ભરતી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરાયું હતું, જેના માધ્યમથી ગૃહમંત્રાલય સીઆરપીએફ, બીએસએફ, સશસ્ત્ર સીમા બલ, અસમ રાઇફલ્સ, સીઆઇએસએફ, આઇટીબીપી તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને દિલ્હી પોલીસમાં કર્મીઓની ભરતી કરી રહ્યું છે.


  • Follow us on: