- રાજ્યસભામાં ભાજપના 14 મહિલા સાંસદ લેશે ચર્ચામાં ભાગ
- કોંગ્રેસ પણ રાજ્યસભામાં બિલને આપી શકે છે સર્મથન
- વડાપ્રધાન મોદીએ લોકસભાના સભ્યોનો માન્યો આભાર
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન ગૃહના ટેબલ પર મુકવામાં આવેલ મહિલા આરક્ષણ બિલ પર રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવશે. આ બિલ બુધવારે લોકસભામાં પસાર થયું હતું. બિલની તરફેણમાં કુલ 454 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં કુલ બે મત પડ્યા હતા. આ પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમામ દળના લોકો સ્વર્ણિમ પળના હકદાર બન્યા છે.
આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ અંગે ચર્ચા માટે સાડા સાત કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આ માટે આજે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ભાજપના 14 મહિલા સાંસદ ચર્ચામાં ભાગ લેશે જ્યારે કોંગ્રેસમાંથી 4 મહિલા સાંસદ બિલ પર પોતાનો મત રજુ કરશે. આ માટે ભાજપ તરફથી જેપી નડ્ડા રાજ્યસભામાં બિલના પહેલા સ્પીકર હશે. જ્યારે કોંગ્રેસ તરફથી રંજીત રંજન, રજની પાટીલ ફૂલો દેવી નેતામ અને અમી યાજ્ઞિક ભાગ લેશે.
વડાપ્રધાન મોદીએ લોકસભાના સભ્યોનો માન્યો આભાર
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું, ગઈકાલે તમારા દ્વારા જે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયમાં વિશ્વાસ કેળવવા બદલ આપ સૌનો આભાર માનું છું. દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈ શકે તેવી શક્તિ તરીકે આ બિલ મદદ રૂપ થશે. આ પવિત્ર કાર્યને આગળ ધપાવવા માટે તમે બધાએ સાર્થક યોગદાન આપ્યું છે. ગૃહના નેતા તરીકે, હું તમને સાચા હૃદયથી આદરપૂર્વક અભિવાદન કરવા ઉભો છું.
લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ નારી શક્તિ વંદન બિલ આજે રાજ્યસભામાં પણ પસાર થશે. એકવાર તે પસાર થઈ જશે, તે મહિલા સશક્તિકરણમાં એક મોટું પગલું હશે. લોકસભા અને તમામ વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિઓને 33 ટકા અનામત આપતું નારી શક્તિ વંદન બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે.









