પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારકને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સ્મારક માટે કેટલીક જગ્યાઓ સૂચવી છે. મનમોહન સિંહના પરિવારને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમને આમાંથી એક જગ્યા પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને સ્મારક પર કામ શરૂ થઈ શકે.
ટ્રસ્ટ બનાવવુ જરૂરી
જો કે આ માટે પહેલા ટ્રસ્ટ બનાવવું જરૂરી છે. નવી પોલિસી અનુસાર જમીન માત્ર ટ્રસ્ટને જ ફાળવી શકાશે. ટ્રસ્ટની રચના થયા બાદ જ સ્મારકનું નિર્માણ કાર્ય શરૂ કરી શકાશે. ટ્રસ્ટ સ્મારકની જમીન માટે અરજી કરશે અને ફાળવણી પછી, CPWD સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ક્યા બની શકે સ્મારક ?
સૂત્રોના જણાવ્યા અનુસાર મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મારક અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન આપી શકાય છે. શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓએ સ્મારક માટે રાજઘાટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી છે.
એવી પણ શક્યતા છે કે નેહરુ-ગાંધી પરિવારના નેતાઓની સમાધિ પાસે ડૉ.મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે અહીં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીની સમાધિઓ આવેલી છે.
92 વર્ષની વયે નિધન
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે વય સંબંધિત સમસ્યાઓના કારણે દિલ્હી AIIMSમાં અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બરે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. ભારત અને વિશ્વભરના નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવામાં આવશે. 29 ડિસેમ્બરના રોજ મનમોહન સિંહના અસ્થિ ગુરુદ્વારામાં રાખવામાં આવી હતી અને શબ્દ કીર્તન, પઠન અને અરદાસ પછી, તેમના પરિવારના સભ્યોએ યમુનામાં અસ્થિનું વિસર્જન કર્યું હતું.










